કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રી ગોવામાં ગેરકાયદે બાર ચલાવી રહી હોવાનો આક્ષેપ કરતાં કોંગ્રેસે શનિવારે આ મુદ્દે ઈરાનીના રાજીનામાની માગણી કરી હતી. બીજીબાજુ ભાજપ નેતાએ ગાંધી પરિવાર સામે તેના વલણના કારણે તેની પુત્રી પર ખોટા અને 'બદઈરાદાપૂર્વક'ના આક્ષેપો થતાં હોવાનો દાવો કર્યો હતો અને કોંગ્રેસ નેતા પવન ખેડા, જયરામ રમેશને કોર્ટમાં ઢસડી જવાનું કહ્યું હતું.
કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડા, જનરલ સેક્રેટરી જયરામ રમેશ અને ગોવા કોંગ્રેસના અધ્યક્ષ અમિત પાટકરે દિલ્હી અને પણજીમાં પત્રકાર પરિષદો યોજી સ્મૃતિ ઈરાની અને તેમનાં પરિવાર પર નિશાન સાધ્યું હતું. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે, સ્મૃતિ ઈરાનીની પુત્રીના ગોવા સ્થિત બારનું લાઈસન્સ બનાવટી છે. તેમણે નકલી દસ્તાવેજો આપીને ગેરકાયદે રીતે 'સિલી સોલ્સ કાફે એન્ડ બાર' બારનું લાઈસન્સ લીધું છે. ઈરાનીની પુત્રીને એક મૃત વ્યક્તિના નામે લાઈસન્સ અપાયું છે. કોંગ્રેસે બારને પાઠવાયેલી કારણદર્શક નોટિસની એક નકલ પણ દર્શાવી હતી અને આક્ષેપ કર્યો હતો કે બારને નોટિસ પાઠવનારા આબકારી અધિકારીની ટ્રાન્સફર કરી દેવાઈ છે.
પવન ખેડાએ કહ્યું કે, તમારા સમર્થકો લુલુ મોલ-હનુમાન ચાલીસા-નમાઝ ગેમમાં ફસાયેલા છે જ્યારે તમારા સંતાનો વિદેશમાં ભણે છે અથવા ગેરકાયદે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. સિલી સોલ ગોવા બારનું લાઈસન્સ એક મૃત વ્યક્તિના નામે છે. એટલું જ નહીં બાર પાસે બે-બે લાઈસન્સ છે, જે ગોવામાં કોઈપણ અન્ય રેસ્ટોરાં પાસે નથી. તેમણે વડાપ્રધાન મોદીને કેન્દ્રીય કેબિનેટમાંથી સ્મૃતિ ઈરાનીની તાત્કાલિક હકાલપટ્ટી કરવા માગણી કરી હતી.
દરમિયાન સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર વળતો હુમલો કરતાં કહ્યું કે, બે આધેડ વયના પુરુષોએ એક ૧૮ વર્ષની છોકરીની આબરુના કાંકરા કરવાનું દુઃસાહસ કર્યું છે. જે ૧૮ વર્ષની છોકરીની આબરુ પર કોંગ્રેસ પ્રવક્તાઓએ આજે હુમલો કર્યો છે, તે છોકરીનો દોષ માત્ર એટલો છે કે તેની માતા સ્મૃતિ ઈરાની કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની રૂ. ૫,૦૦૦ કરોડની લૂંટ વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સ કરે છે. ભાજપ નેતાએ પ્રેસ કોન્ફરન્સમાં ભાવુક થઈ જતાં કહ્યું કે આ છોકરીનો દોષ એટલો જ છે કે તેની માતાએ ૨૦૧૪ અને ૨૦૧૯માં અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવ્યા હતા.
કોંગ્રેસ ૨૦૨૪માં ફરી રાહુલ ગાંધીને અમેઠી મોકલે, હું ફરી તેમને ધૂળ ચટાવીશ. જે આરટીઆઈ અને દસ્તાવેજોનો હવાલો અપાય છે તેમાં મારી પુત્રીનું નામ ક્યાં છે? મારી પુત્રી કોલેજમાં અભ્યાસ કરે છે. બાર નથી ચલાવતી. હું આ અંગે હવે કોર્ટમાં કોંગ્રેસ પાસે જવાબ માગીશ. સ્મૃતિ ઈરાનીની પુત્રી ઝોઈશ ઈરાનીના વકીલ કિરત નાગરાએ કોંગ્રેસના આક્ષેપોને આધારહીન ગણાવ્યા હતા અને કહ્યું કે, તેમની અસીલ ઝોઈશ ઈરાની સિલી સોલ ગોવા રેસ્ટોરાંની માલીક પણ નથી કે તેને ચલાવતી પણ નથી અને તેને કોઈપણ ઓથોરિટી તરફથી કોઈ કારણદર્શક નોટિસ મળી નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500