જો તમારે બેંકને લગતું કોઈ કામ કરવું હોય તો તેને આજ કાલમાં પતાવી લેજો. 19 નવેમ્બરે બેન્કિંગ સેવાની સાથે એટીએમ સેવા પણ ખોરવાઈ જવાની છે. હકીકતમાં બેંક કર્મચારીઓ હડતાળ પર જવાને કારણે બેંકની કામગીરી પ્રભાવિત થશે. આપને જણાવી દઈએ કે 19 નવેમ્બર 2022 ના રોજ બેંક કર્મચારીઓ હડતાળ પર રહેશે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન એ એક દિવસીય હડતાળનું એલાન આપ્યું છે.
દેશભરમાં બેંક હડતાળ
નોંધપાત્ર રીતે બેંક ઓફ બરોડા એ સ્ટોક એક્સચેન્જ પાસે રેગ્યુલેટરી ફાઈલિંગમાં માહિતી આપી છે કે ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન ના જનરલ સેક્રેટરીએ હડતાળ પર જવા માટે ઈન્ડિયન બેંક એસોસિએશન ને નોટિસ પાઠવી છે. આ નોટિસમાં યુનિયને પોતાની માંગણીઓને લઈને 19 નવેમ્બર 2022ના રોજ હડતાળ પર જવાની વાત કરી છે. એટલે કે 19 નવેમ્બરે બેંકોનું કામકાજ ઠપ થઈ જશે.
શું છે બેંક કર્મચારીઓનો પ્લાન
બેંકે એમ પણ જણાવ્યું છે કે હડતાળના દિવસે બેંકની બ્રાન્ચો અને ઓફિસોમાં કામગીરી ચાલુ રાખવા માટે તમામ યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યાં છે, પરંતુ જો બેંક કર્મચારીઓ હડતાળ પર જશે તો બેંક બ્રાન્ચ અને ઓફિસોના કામકાજને અસર થઈ શકે છે. હકીકતમાં 19 નવેમ્બર, 2022 એ શનિવાર છે અને બેંક દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. પરંતુ આ મહિનાના ત્રીજા શનિવારે હડતાળના કારણે બેન્કિંગ સેવાઓ પ્રભાવિત થશે.આવી સ્થિતિમાં શનિવારે હડતાળના કારણે કામકાજ બંધ રહેશે અને બીજા દિવસે રવિવારે રજા રહેશે. આવી સ્થિતિમાં જો તમારે પણ બેંક સંબંધિત કોઈ કામ પતાવવું હોય તો આ અઠવાડિયામાં જ પતાવી લો. આપને જણાવી દઈએ કે બીજા દિવસે રવિવાર હોવાના કારણે સામાન્ય લોકોને બે દિવસ સુધી ATM માં રોકડની તંગીનો સામનો કરવો પડી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500