ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં લહાનકસાડ ગામે અંધશ્રદ્ધાના વહેમમાં ત્રણ વ્યક્તિઓ એક મહિલાને હેરાન પરેશાન કરતા હતા. તેમજ તમે ડાકણ છો તેવું કહીને મહિલાને ત્રાસ આપતા હતા. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી હતી. બનાવ અંગે સુબીર પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, સુબીર તાલુકાનાં લહાનકસાડ ગામ ખાતે આનંદભાઈ રાજુભાઈ સાવરે, ગુનતાબેન રાજુભાઈ સાવરે અને જિગ્નેશભાઈ રાજુભાઈ સાવરેએ લહાનકસાડ ગામે જ રહેતા જશુબેનને કહેવા લાગેલા કે, તમે ડાકણ છો, અમારા છોકરાઓને બીમાર કરી દુ:ખ પહોંચાડો છે. એમ કહી આ ત્રણેય દ્વારા તેણીને અપશબ્દો બોલી ઝઘડો તકરાર કરવામાં આવી હતી. તેમજ નજીકમાંથી પથ્થર તથા માટીના ઢેફા ઊંચકીને જશુબેન તરફ ફેંકવા લાગ્યા હતા.
તેમજ જતાં જતાં તેણીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં પહેલા આ મહિલાએ ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ આ મામલાને ગંભીરતાથી ધ્યાને લઈને સુબીર પોલીસે આ ત્રણેય વિરુદ્ધ બી.એન.એસ. અધિનિયમ તથા ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી અધિનિયમ ૨૦૨૪ની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયર્વાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500