વ્યારાની ઉજીવન સ્મોલ ફાઈનાન્સ બેંક શાખાની કસ્ટમર રિલેશન ઓફ્સિર બેંકમાંથી લોન લેનાર ૮૨ જેટલા લોનધારકોના રૂપિયા ૨૨,૧૯,૭૫૭/- તફડાવી ગઈ હોવાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધાઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉજીવન સ્મોલ ફાઈનાન્સ બેંકની વ્યારા શાખામાં ઉર્વશીબેન મહેન્દ્રભાઈ ઢોડીયા (રહે.પ્રેમનગર,સહકારી જીન પાસે,સ્ટેશન રોડ,વ્યારા)ની ગત તારીખ ૧-૩-૨૦૧૯ના રોજ કસ્ટમર રિલેશન ઓફિસર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. તેને આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને જૂથ લોન આપવા માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવાની સાથે લોન લેનાર ગ્રાહકો પાસેથી માસિક હપ્તા કલેક્શન કરી તે જ દિવસે બેંકના ખાતામાં જમા કરાવવાની કામગીરી સોંપવામાં આવી હતી.
પરંતુ ઉર્વશી ઢોડિયાએ લોનધારકો પાસેથી હપ્તાની રકમ કલેક્શન કરી તેને ગ્રાહકોના લોન એકાઉન્ટમાં જમા કરાવેલ ન હોવાની હકીકત બેંકને એપ્રિલ-૨૦૨૪માં જાણવા મળી હતી. તેથી બેંક દ્વારા થયેલી તપાસમાં ઉર્વશી ઢોડીયાએ લોન ધારકોના બેંક ખાતામાંથી એટીએમ મારફ્તે પૈસા ઉપાડીને પોતાના અંગત કામે લઈ લીધા હતા. તદ્ઉપરાંત તેણીએ ૮૨ લોન ધારકો પાસેથી ઉઘરાવેલા રૂપિયા ૨૨,૧૯,૭૫૭/- જેટલી મોટી રકમ બેંકના ખાતામાં છેલ્લા ૬ વર્ષ દરમિયાન ભરી ન હતી. આમ ઉર્વશી ઢોડિયાએ લોન ધારકો તથા બેંક સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરી લોનધારકો અને બેંકના પૈસા પોતાના અંગત કામે વાપરી નાંખતા બેંક દ્વારા ઉર્વશી ઢોડીયા સામે વ્યારા પોલીસ મથકે ફરિયાદ થતા પોલીસે મહિલા કર્મચારી સામે છેતરપીંડી કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500