મૂળનિવાસી આદિવાસીઓની પોતાની આગવી ઓળખ અને અનોખી પરંપરા છે. વૈવિધ્યસભર વારસા અને સંસ્કૃતિનું જતન કરતા આદિવાસીઓ પ્રકૃતિ પ્રેમી છે. આ પ્રકૃતિ પુજકને પોતાના હક્કો, અધિકારોથી પરિચિત કરાવવા, અને તેમનો સર્વાંગી વિકાસ કરી સમાજની મુખ્યધારામાં લાવવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘે તા.૯મી ઓગસ્ટને ‘વિશ્વ આદિવાસી દિવસ’ તરીકે ઘોષિત કરી ઉજવણી કરવા અંગે મંજૂરી આપી હતી. આદિવાસી સમાજની ભવ્ય અને ઐતિહાસિક વિરાસત, પરંપરાગત વારસો અને અસ્મિતાને ટકાવવા,જળ, જમીન, જંગલ અને પર્યાવરણ સાથે જોડાયેલ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા સમગ્ર રાજ્યના વિવિધ આદિવાસી જિલ્લાઓમાં ૯મી ઓગસ્ટના રોજ આદિવાસી દિનની ઉજવણી કરવાનું નિર્ધારિત કરાયું છે. આજે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવાની સાથે સાથે આદિવાસીઓને શૈક્ષણિક, સામાજિક, આર્થિક સુરક્ષા પ્રદાન કરવાના ઉમદા આશય સાથે કુશળ નેતૃત્વકાર મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ, કાર્યક્રમો, અને ઝુંબેશો થકી અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વપટ્ટીના આદિવાસીઓના જીવનધોરણમાં હકારાત્મક પરિવર્તન લાવવાના અવિરત પ્રયાસો કર્યા છે.
સાદગીપૂર્ણ, પ્રેમાળ અને પરિશ્રમી જીવન એ આદિવાસી સમાજની પરિભાષા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસ' મંત્રને ચરિતાર્થ કરી રહેલી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે આદિજાતિ સમાજ માટે શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા, પોષણ, કૃષિ-પશુપાલન, સિંચાઈ, પાણીની સુવિધાઓ, રોજગારીની તકો, પાકા મકાનના સ્વપ્નને સાકાર કરતી આવાસીય સુવિધાઓ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. માત્ર એટલું જ નહીં સરકારશ્રીએ સમાજના અન્ય વર્ગોની જેમ આદિજાતિ સમાજને સમકક્ષ લાવવા માટે છેલ્લા બે દાયકામાં આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને સર્વોપરી રાખી, વિવિધ યોજનાકીય લાભો અને પાયાની સુવિધાઓ તેમના સુધી પહોંચતી કરી છે. આદિજાતિઓના સર્વાંગી વિકાસની આ તો માત્ર શરૂઆત છે. શૈક્ષણિક ઉત્કર્ષ માટે આદિવાસી જિલ્લાઓમાં શરૂ કરાયેલી મેડિકલ, ઇજનેરી, નર્સિંગ કોલેજોનો લાભ લઈને બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે.
જ્યાં કેન્દ્ર, રાજ્ય સરકારની ફ્રી શીપ કાર્ડ યોજનાનો લાભ લઈને બાળક ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરીને પોતાના ઉજ્જવળ ભાવિની દિશામાં પગ પ્રસરાવી રહ્યું છે. આદિવાસી વિસ્તારમાં આઈ.ટી.આઈ., કૌશલ્ય વર્ધન કેન્દ્ર, વોકેશનલ તાલીમ કેન્દ્ર, રોજગાર મેળાઓ થકી આદિવાસી બાંધવોને તકો પુરી પાડવામાં આવી રહી છે. મહિલાઓને શિક્ષિત અને સશક્ત બનાવવાની દિશામાં રાજ્ય સરકારના નારી વંદન ઉત્સવ સહિતની તમામ ઉજવણી, ઝુંબેશો થકી મહિલાઓ પ્રેરિત થઈને સમાજના વિકાસમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપવા માટે સક્ષમ બની છે. આજે બહેનો નાહરી કેન્દ્રો, હાટ બજાર, સ્વસહાય જૂથ થકી પગભર બની છે. બહેનો કેન્ટીનના માધ્યમથી સારી આવક પ્રાપ્ત કરી રહી છે. સરકારશ્રીની વિવિધ યોજનાઓ, તાલીમનો લાભ લઈને બહેનો આજે સ્વરોજગાર મેળવતી થઈ છે. આદિવાસી વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રો થકી બહેનો, કિશોરીઓ અને બાળકોને મળી રહેલ ઉમદા સુવિધા રાજ્ય સરકારની દેન છે.
સગર્ભા-ધાત્રી માતાઓને પૂરક પોષણ આપતી પોષણસુધા યોજના આજે બહેનોના શારીરિક, માનસિક સ્વાસ્થ્યમાં વૃદ્ધિમાં કરી રહી છે. બાળકોને મળતું પૂર્વ પ્રાથમિક શિક્ષણ એ વિકાસની મજબૂત નીંવ મૂકવા સક્ષમ બનશે. આરોગ્ય અને પોષણની વાત કરીએ તો આદિજાતિ સમાજમાં જોવા મળતો પરંપરાગત રોગ સિકલસેલ એનિમિયા, રક્તપિત્ત, કેન્સર તથા ટીબી સહિત તમામ રોગોની શ્રેષ્ઠ અને નિઃશુલ્ક સારવાર માટે રાજ્ય સરકારે વિશેષ ભાર આપ્યો છે. રાજ્ય સરકાર, સ્થાનિક વહીવટી તંત્ર અને પ્રજાજનોના સહિયારા ઉમદા પ્રયાસો થકી જિલ્લાની વિકાસ યાત્રા આગળ વધી રહી છે. વનબંધુ કલ્યાણ યોજનાએ આદિવાસી સમુદાયના વિકાસને વેગવંતો બનાવ્યો છે. એટલે કે આદિજાતી વિકાસની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને માળખાકીય સુવિધાઓ દ્વારા આદિજાતિ વિસ્તારોનો સર્વાગી વિકાસ થાય તેવો રાજ્ય સરકારનો ધ્યેય રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500