ભારત જ નહીં વિશ્વમાં ડ્રગ્સની હેરાફેરીમાં કચ્છનો વિશાળ દરિયાકાંઠો ટ્રાન્ઝીટ પોઈન્ટ હોય તેમ 800 કરોડનું કોકેઈન મળી આવ્યું છે. કચ્છના વ્યાવસાયિક પાટનગર ગાંધીધામથી માંડ આઠેક કિલોમીટર દૂર મીઠીરોહર ગામ પાસેની ખાડીમાંથી કોકેઈનના એક-એક કિલોના 80 પેકેટ્સ મળી આવ્યાં છે. ચોંકાવનારી બાબત એ છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં અબજો રૂપિયાની કિંમતનું આ ડ્રગ્સ પચ્ચીસ દિવસથી બિનવારસી સ્થિતિમાં ખાડી વિસ્તારમાં પડયું હતું. પોલીસે એકાદ મહિના પહેલાં જ મીઠીરોહર વિસ્તારમાં વ્યાપક કોમ્બિંગ કર્યું હતું. આ કોમ્બિંગના થોડા દિવસ પછી જ એલ.સી.બી.ના મળેલી પાક્કી બાતમીના આધારે પૂર્વ કચ્છ પોલીસની ટીમે મીઠીરોહર ખારી તરીકે ઓળખાતાં ખાડી વિસ્તારમાંથી ડ્રગ્સ કબજે કર્યું છે.
ડ્રગ્સના પેકેટ્સ જે પ્રકારના છે અને જે સ્થળેથી જે અવસ્થામાં મળ્યાં છે તે જોતાં પોલીસને એવી મજબૂત શંકા છે કે, ડ્રગ્સનો આ જથ્થો લાવવામાં આવ્યો હોય તેના કરતાં ક્યાંક મોકલવા માટે લાવવામાં આવ્યો હોવાની સંભાવના પણ વધુ છે. પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારનું કહેવું છે કે, 'નો ડ્રગ્સ ઈન ઈસ્ટ કચ્છ' કેમ્પેઈન અંતર્ગત પોલીસનું સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે અને આવનારાં દિવસોમાં ડ્રગ્સનો જથ્થો મળી આવવાની શક્યતા રહેલી છે. ડ્રગ્સના દાનવની નાબૂદી માટે પોલીસ ઊંડાણભરી તપાસ કરી રહી છે. પૂર્વ કચ્છ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, ગાંધીધામ તાલુકાનાં મીઠીરોહરના દરિયામાં (ખારી વિસ્તાર)માં ડ્રગ્સના પેકેટ ત્યજી દીધેલી અવસ્થામાં પડયા છે.
જે બાતમી મળતાં જ એસ.ઓ.જી, એફ.એસ.એલ. સહિતની પોલીસ ટીમો બાતમી વાળા સ્થળે પહોચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. જેમાં ખારી વિસ્તારમાં પાણીમાં જઈ પોલીસે તપાસ કરતાં અલગ અલગ સ્થળોથી કુલ 80 કિલો ડ્રગ્સના 80 પેકેટ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેથી એફ.એસ.એલ.ની ટીમ દ્વારા તપાસ કરતાં જથ્થો કોકેઇનનો હોવાનું માલૂમ પડયું હતું. જેની બજાર કિમત 800 કરોડ આંકવામાં આવી હતી. આ અંગે પૂર્વ કચ્છના એસ.પી. સાગર બાગમારે વિગતો આપતા જણાવ્યુ હતું કે, કોઈ અજાણ્યા ઇસમો દ્વારા ડ્રગ્સનું કન્સાઇન્મેન્ટ કોઈ અન્ય ઈસમને ડિલિવરી કરવાનું હતું.
પરંતુ કોઈપણ કારણોસર આ ડિલિવરી ન થઈ શકતા તે શખ્સોએ ડ્રગ્સનો જથ્થો અહીં જ ફેંકી દઈ ત્યાંથી નાસી ગયા હતા. હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ જ છે અને હજુ વધુ ડ્રગ્સના પેકેટ મળી શકે તેવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી. જયારે પૂર્વ કચ્છ પોલીસે એકાદ મહીના અગાઉ ગાંધીધામથી આઠ કિલોમીટર દૂર દરિયાકાંઠાના મીઠીરોહર ગામ અને આસપાસના વિસ્તારમાં વ્યાપક કોમ્બિંગ હાથ ધર્યું હતું. અંદાજે 200 લોકોને તપાસ્યાં પછી પોલીસના સ્થાનિક સોર્સ ઉભા થયાં હતાં તેમાંથી બાતમીના આધારે ડ્રગ્સનો આ જથ્થો પકડાયો છે.
મીઠીરોહર વિસ્તારમાંથી ભટિંડાની ઓઈલ પાઈપલાઈન પસાર થાય છે અને લોકોની અવરજવર રહેતી હોય છે. પરંતુ, ઓછી માનવવસતી ધરાવતા દરિયાકાંઠાના આ ખાડી વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી આસાન હોવાનું મનાય છે. ડ્રગ્સના 80 પેકેટ મળ્યાં છે તે અગાઉ મળેલાં પેકેટ્સ કરતાં અલગ પ્રકારના છે. કોકેનના પેકેટ્સ અન્યત્ર તૈયાર કરીને લાવવામાં આવ્યાં હોય અને ભરતી હોય ત્યારે નાની બોટમાં મધદરિયે લઈ જવાના હોવાની આશંકા પણ પોલીસને છે. ડ્રગ્સનો જત્થો લાવવામાં આવ્યો કે લઈ જવાનો હતો તે અંગે પોલીસ ઊંડાણભરી તપાસ કરી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500