વ્યારામાં આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ભીંડાની હરાજીમાં ઘણા ઓછા ભાવ પડતા ખેડૂતો ઉશ્કેરાયા હતા અને ઉશ્કેરાયેલ ખેડૂતોઓએ માર્કેટયાર્ડની દુકાનોમાં તોડફોડ કરતાં મામલો બિચક્યો હતો. વ્યારા માર્કેટ યાર્ડમાં વ્યારા, સોનગઢ અને ડોલવણ તાલુકાનાં ખેડુતો ભીંડાનું વેચાણ કરવા માટે આવે છે. જયારે માર્કેટ યાર્ડમાં વેપારીઓ હરાજીથી ભીંડાની ખરીદી કરે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી વેપારીઓ ખેડૂતોને ભીંડાનાં ઘણા ઓછા ભાવ આપી રહ્યાં હોવાથી ખેડૂતોમાં રોષ હતો.
જેથી ગતરોજ બપોરે બે વાગ્યાના અરસામાં ભીંડાની હરાજીથી ખરીદ પ્રક્રિયા શરૂ થતાં પ્રમાણમાં ઘણા ઓછા ભાવ વેપારીઓ દ્વારા બોલાતા ખેડૂતોએ પોષણક્ષમ ભાવનો આગ્રહ રાખ્યો હતો. બીજી તરફ વેપારીઓ ઓછા ભાવ પર અડગ રહેતા ખેડૂતો વિફર્યા હતા અને વેપારીઓની દુકાનમાં તોડફોડ કરી હતી.ખેડૂતોએ ભીંડાના કેરેટ ઉંધા પાડી દીધા હતા તેમજ વજન કાંટા પણ તોડયા હતા. દુકાનમાં રહેલી ચીજવસ્તોઓ બહાર ફેંકી દીધી હતી. આ સમગ્ર મામલો તંગ બનતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસે વધુ તોડફોડ અટકાવી હતી.
હાલ વ્યારાનાં સ્થાનીક બજારમાં છુટક એક કિલો ભીંડાનો ભાવ રૂપિયા ૫૦થી ૮૦નો ચાલી રહ્યો છે. તે મુજબ ૨૦ કિલોના રૂપિયા ૧૦૦૦થી ૧૪૦૦ જેટલો ભાવ થાય તેમ છે. તેના પ્રમાણમાં માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ઘણો ઓછો ભાવ અપાય રહ્યો છે. માર્કેટ યાર્ડમાં વેપારીઓ રીંગ બનાવીને હરાજીથી ખરીદી કરતા હોવાની ફરિયાદ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષ પહેલા પણ આ માર્કેટમાં ભીંડાનાં નીચા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા હતા અને કેરેટ ઉડાવી આક્રોશ ઠાલવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500