સરકારી વકીલ હોવાનો દાવો કરીને મહિલા વ્યાવસાયિક અને અન્ય સાથે અંદાજે રૂપિયા 9.86 કરોડની છેતરપિંડી કરનારી અંધેરીની 56 વર્ષીય ચાલબાજ મહિલાને ડી.એન. નગર પોલીસે ઝડપી લીધી છે. આ ઠગ મહિલા કસ્ટમ્સ વિભાગે જપ્ત કરેલું સોનુ ઓછી કિંમતમાં આપવાનું કહીને લોકોને જાળમાં ફસાવતી હતી. આરોપીની વધુ એક મહિલા સાથીદાર સહિત બે જણની પોલીસ શોધખોળ કરી રહી છે. આ ટોળીએ બાંદરા, ઓશિવરા, અંધેરી, વાકોલા, મુલુંડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજ મોડસ ઓપરેન્ડીથી ગુનાઓ કર્યા હોવાનું કહેવાય છે. આરોપી શ્વેતા બડગુજર (ઉ.વ.56)ની પોલીસે ધરપકડ કરી છે.
તેની સાથીદાર સ્વાતી જાવકર અને દર્શન દેસાઇ ફરાર છે. કોર્ટની બહાર લોકોનો સંપર્ક કરીને આરોપી મહિલા સરકારી વકીલ હોવાનું નાટક કરતી હતી. તેઓ કસ્ટમ્સ વિભાગે જપ્ત કરેલું સોનુ હરાજીમાં સસ્તામાં આપવાનું કહીને લોકો પાસેથી પૈસા પડાવતા હતા. પીડિત વ્યક્તિનો વિશ્વાસ જીતવા આરોપી દુકાનમાંથી સોનુ ખરીદીને તેમને ઓછી કિંમતમાં વેચતા હતા. ગત ઓક્ટોબર મહિનામાં શ્વેતા અને સ્વાતીએ અંધેરી વિસ્તારમાં મહિલા વ્યાવસાયિક અને તેના નજીકના લોકો પાસેથી રૂપિયા 9.86 કરોડ લીધા હતા પણ તેમને સોનું આપ્યું નહોતું. આથી પીડિતાએ તેની પાસે પૈસા પાછા માંગ્યા હતા.
ત્યારે તેણે પીડિતા અને તેના પતિને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જોકે પીડિતાએ ડી.એન. નગર પોલીસનો સંપર્ક કરી એફઆઇઆર નોંધાવી હતી. ચાલબાજ આરોપી મહિલા વારંવાર નામ અને જગ્યા બદલતી હોવાથી પોલીસને તેમને પકડવામાં મુશ્કેલી થઇ રહી હતી. આરોપી મહિલાની પુણેમાં હોવાની પોલીસને જાણ થઇ હતી. આથી પોલીસની ટીમ તેને પકડવા પુણે ગઇ હતી. સ્થાનિક પોલીસે આની જાણ કરવામાં આવી હતી. આરોપી મહિલાને ખબર પડી કે પોલીસ તેની ધરપકડ કરવાની છે આથી તેણે ધરપકડથી બચવા ઉંઘની ગોળીઓ ખાઇ લીધી હતી. તેની સામે બાંદરામાં ત્રણ, મુલુંડમાં એક, વાકોલામાં એક, ઓશિવરામાં એક, ડી.એન. નગરમાં એક કેસ દાખલ હોવાનું જાણવા મળ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500