Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવી સિવિલ હોસ્પિટલ દ્વારા હિટવેવના સમયે સ્વરક્ષણ અને આરોગ્યની કાળજી વિશે સેમિનાર યોજાયો

  • April 18, 2023 

સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. મહત્તમ તાપમાન ૪૦-૪૧ ડિગ્રી નોંધાઈ રહ્યું છે અને ૨૦થી ૨૫ કિમી પ્રતિ કલાકની ઝડપે લુ ફૂંકાઈ રહી છે, ત્યારે કાળઝાળ ગરમીથી બચવા અને આકરા ઉનાળામાં સ્વાસ્થ્ય જાગૃત્તિ માટે નવી સિવિલ હોસ્પિટલ દ્વારા સિવિલના ઓડિટોરીયમ ખાતે સેમિનાર યોજાયો હતો. જેમાં હિટવેવથી બચવાના ઉપાયો, સ્વરક્ષણ અને આરોગ્યની કાળજી, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સારસંભાળ માટે નર્સિંગ સ્ટાફ અને ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફને માહિતગાર કરાયા હતા. આ પ્રસંગે સુરત સરકારી મેડિકલ કોલેજના પી.એસ.એમ.વિભાગના પૂર્વ અધિક આરોગ્ય નિયામક અને અર્બન હેલ્થ એન્ડ ક્લાઈમેન્ટ રેઝીલિયન્સ સેન્ટર ઓફ એક્સલેન્સના ઓનરરી ટેક્નિકલ ડિરેક્ટર ડો.વિકાસબેન દેસાઈએ જણાવ્યું હતું કે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાવધાની રાખવી એ જ સમજદારી છે.






ગરમીના સમયે સ્વરક્ષણ અને આરોગ્ય અંગે કાળજી રાખવી ખૂબ આવશ્યક છે. ઉપરાંત, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની કાળજી તેમજ સારવારની સાથે નર્સિંગ કેર મહત્વની બની રહે છે. સામાન્ય દિવસો કરતા ગરમીના સમયે દર્દીઓને નર્સિંગ કેરની વધુ જરૂર પડતી હોય છે. નર્સિંગ સ્ટાફ પોતાની નૈતિક જવાબદારી સમજીને સમગ્ર દિવસ દરમ્યાન દર્દીઓને દવાની સાથે સમયાંતરે પૂરતું પાણી આપવું જોઈએ. વધુમાં શ્રી દેસાઈએ કહ્યું હતું કે, દર્દીઓએ તેમજ સામાન્ય જનતાએ ગરમીની પરિસ્થિતિમાં એર કન્ડીશન (એસી)માં રહેવાનું ટાળવું જોઈએ. ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણા ન પીવા જોઈએ. શરીરમાં પૂરતી માત્રામાં પ્રવાહી રહે તે માટે વારંવાર પાણી પીવાનું ન ગમે તો નારિયેળ પાણી, લીંબુ શરબત, મીઠાવાળી છાશ, સંતરાનો રસ, ગ્લુકોઝનું પાણી ઈત્યાદિ લઈ શકાય. હળવા સુતરાઉ વસ્ત્રો અને શક્યત: હળવા સફેદ રંગના કપડાં પહેરો.






ગરમીની સિઝનમાં લિનનના વસ્ત્રો તથા સુંવાળા મલમલના કપડાં અત્યંત આરામદાયક રહે છે. ગરમીમાં બહાર જતી વખતે ટોપી પહેરવી, મહિલાઓએ ઘૂંઘટ, ઓઢણીથી મોં ઢાંકવું જોઈએ, માથું ઢંકાય તે રીતે કે છત્રીનો ઉપયોગ કરવો જોઈએ. આ પ્રસંગે તબીબ અધિક્ષક ડો.ગણેશ ગોવેકરે અસહ્ય ગરમીથી બચવા સાવચેતી એ જ સલામતીનો અભિગમ અપનાવી હીટવેવથી બચવા માટે જાગૃત્તિ કેળવવા માટે આ સેમિનાર મહત્વપૂર્ણ બન્યો છે એમ જણાવ્યું હતું. હીટવેવ સામે સાવધ રહેવા અને રક્ષણના પગલાઓ સંદર્ભે આ સેમિનારનું આયોજન ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા દ્વારા કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application