તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના વાઘસેપા ગામે ચર્ચના પાસ્ટર સાથે અજાણ્યા શખ્સે મિત્રતા કરી અનાથ બાળકોના નામે ટ્રસ્ટ બનાવવાના નામે થોડા થોડા કરી ઓનલાઈન રૂપિયા ૩.૬૯ લાખ ટ્રાન્સફર કરાવી છેતરપીંડી કરતા ચકચાર મચી જવા પામી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉચ્છલ તાલુકાના વાઘસેપા ગામે નાનાગામ ચર્ચ ફળીયા રહેતા કનુભાઈ કાતુડીયાભાઈ વસાવા (ઉ.વ.૪૬) ખેતીના વ્યવસાય સાથે ઘરની બાજુમાં આવેલા ગો મિનિસ્ટ્રીઝ ચર્ચમાં તરીકે સેવા આપે છે. વર્ષ ૨૦૨૨ દરમિયાન માર્ચમાં ભરૂચ ખાતે ભરાયેલા એક ખ્રિસ્તી સંમેલનમાં અમિતકુમાર નામના અજાણ્યા શખ્સ સાથે તેઓનો ભેટો થયો હતો.
જેને યુપીનો નિવાસી છું અને દેવામાં ડૂબેલો હોવાનું જણાવ્યું હતું તથા ખ્રિસ્તી ધર્મ વિશે જાણવું છે એમ જણાવી પાસ્ટર કનુ વસાવાનો નંબર લીધો હતો. ત્યારબાદ અવારનવાર બંને વચ્ચે વાતો થતી હતી તે વખતે અમિતકુમારે વડોદરા ફેથ ચર્ચમાં જતો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આપણે બંને મળી અનાથ બાળકો માટે ટ્રસ્ટ બનાવીએ જેનાથી અનાથ બાળકોની સેવા કરી શકાય તે માટે સીએ અને વકીલને રૂપિયા ૭૦,૦૦૦/- આપવા પડશે એમ જણાવ્યું હતું. જેથી વાતમાં આવી પાસ્ટરે ટ્રસ્ટ બનાવવા જરૂરિયાત પ્રમાણે અમિતકુમાર કહે તે મુજબ થોડા થોડા કરીને ઓનલાઇન પૈસા ટ્રાન્સફરથી આપવાના શરૂ કર્યા હતા.
દરમિયાન અમીતકુમારે આપણે બે ટ્રસ્ટ બનાવીએ અને તે માટે સીએ અને વકીલને વધુ પૈસા આપવા પડશે એમ જણાવતા પાસ્ટર કનુ વસાવાએ મહારાષ્ટ્રના નવાપુર જઈને પત્નીનું સોનાનું મંગળસૂત્ર રૂપિયા ૫૦,૦૦૦/-માં વેચી દીધું હતું અને તે નાણાં પણ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. આમ તારીખ ૭ ઓગષ્ટ ૨૦૨૪થી તારીખ ૧૮મી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન થોડા થોડા કરી ટ્રસ્ટ બનાવવા તેમણે અમીતકુમારને કુલ રૂપિયા ૩,૬૯,૦૦૦/- ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ટ્રસ્ટનું કામ કેટલે આવ્યું એમ પૂછવા ફોન કરતા અમીતકુમારે ટ્રસ્ટ બની ગયું છે અને તમે આપેલા પૈસાના ચાર ગણા પૈસા હું તમારા ઘરે આવીને આપી તમને એક ફોર વ્હીલ ગીફટ આપીશું તેમ જણાવ્યું હતું.
તારીખ ર૪ ડિસેમ્બરે ફોન આવ્યો હતો, જેમાં અમીતકુમારે આવતિકાલે તમારા ઘરે પૈસા આપવા અને ટ્રસ્ટના ડોક્યુમેંટ પણ તમને આપીને જઈશ તેવી વાત કરી હતી. જોકે બીજા દિવસથી અમિતકુમારે તેનો મોબાઈલ બંધ કરી દીધો હતો અને વારંવાર ફોન કરવા છતાં બંધ આવતો હતો. જેથી પાસ્ટર કનુ વસાવાને તેની સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનું ભાન થયું હતું અને સાયબર હેલ્પ નંબર પર ફરિયાદ આપી હતી. બનાવ અંગે ઉચ્છલ પોલીસે છેતરપીંડી કરનાર અમિતકુમાર નામના અજાણ્યા શખ્સ વિરુદ્ધ સાયબર ફોડનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500