બિહારનાં બોધગયામાંથી પોલીસે ચીની મહિલાની ધરપકડ કરી છે. 50 વર્ષની ચીની મહિલા સોંગ શિયાઓલન પર દલાઈ લામાની જાસૂસી કરવાનો આરોપ છે. તે છેલ્લાં બે વર્ષથી ભારતમાં રહે છે.
તિબેટનાં સર્વોચ્ચ ધર્મગુરૂ દલાઈ લામા એક મહિનાનાં પ્રવાસે છે અને એ દરમિયાન બિહારનાં બોધગયામાં તેમના ત્રણ દિવસીય પ્રવચનની શરૂઆત થઈ છે. બરાબર એ જ વખતે બિહાર પોલીસે દલાઈ લામાની જાસૂસીનાં આરોપમાં એક ચીની મહિલાની ધરપકડ કરી છે.
જયારે 50 વર્ષીય ચીની મહિલા સોંગ શિયાઓલન 2020માં ભારત આવી હતી. બોધગયામાં એ બૌદ્ધ ભિક્ષુના વેશમાં છેલ્લાં બે વર્ષથી રહેતી હતી ને તિબેટમાં પણ વોલેન્ટરી તરીકે જઈ આવી છે. વચ્ચે થોડા મહિના એ શંકાસ્પદ રીતે નેપાળની મુલાકાતે પણ પહોંચી હતી. આ મહિલા પાસે 2024 સુધીનાં ભારતના વિઝા છે. તે બોધગયામાં જ બૌદ્ધ ભિક્ષુ બનીને રહેતી હોવાનું કહેવાય છે. પોલીસે તે અંગે વધારે તપાસ હાથ ધરી છે.
પોલીસને આ શંકાસ્પદ મહિલા જાસૂસ બોધગયામાં હોવાની જાણકારી મળી પછી મહિલાનો સ્કેચ બનાવીને તપાસ હાથ ધરાઈ હતી. આખા શહેરમાં તપાસ થઈ હતી એ વખતે મહિલાને દલાઈ લામા જ્યાં પ્રવચન આપે છે તે કાળચક્ર મેદાન પાસેથી પકડી લેવામાં આવી હતી. મહિલાની પૂછપરછ પછી મહત્ત્વની જાણકારી મળે એવી શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500