ભારતના સૌથી સમૃદ્ધ મંદિરોમાંના એક ગણાતા શિર્ડી સાઈબાબાના મંદિરમાં દાનનો પ્રવાહ નહીં પણ પૂર જોવા મળે છે. આમાં બધી દાનપેટીઓ રીતસર છલકાઈ જાય એટલું પરચુરણ આવે છે. કરોડોના સિક્કા સ્વીકારવાની અત્યાર સુધીમાં ચાર -ચાર બેન્કોએ અસર્મથતા દેખાડી છે. આથી, આ પરિસ્થિતિના ઉકેલ માટે હવે સાઈ સંસ્થાન તરફથી હવે રિઝર્વ બેન્ક સમક્ષ રજૂઆત કરવામાં આવશે.
દેશ-વિદેશથી સાંઈભક્તોનો વણથંભ્યો પ્રવાહ મંદિરમાં ચાલુ રહે છે. ભક્તો તરફથી ચલણી નોટો, સોના-ચાંદીની ભેટવસ્તુઓ ઉપરાંત મંદિરમાં ગોઠવવામાં આવેલી દાનપેટીઓમાં ભરપૂર પરચુરણ પણ નાખવામાં આવે છે. મંદિર પાસે કરોડોના મૂલ્યનું ચિલ્લર જમા થયું છે. પરંતુ ચાર બેન્કોના વ્યવસ્થાપકોએ કહ્યું છે કે તેમની પાસે આટલું ઢગલાબંધ પરચુરણ ગણવાનો ટાઇમ નથી. એટલે મહેરબાની કરીને ૧, ૨, ૫, ૧૦ના સિક્કા બેન્કમાં ભરવા માટે ન લાવવા. હવે બેન્કો જ જ્યારે પૈસા સ્વીકારવાનો ઇનકાર કરે ત્યાર પછી રિઝર્વ બેન્કમાં ધા નાખ્યા સિવાય બીજો કોઈ માર્ગ જ નથી રહેતો. એટલે શિર્ડી સાઈ સંસ્થાને રિઝર્વ બેન્કમાં જવાની તૈયારી કરી છે. બેન્કોએ તેમની મુશ્કેલી દર્શાવતા કહ્યું છે કે તેમની પાસે કોથળા ભરીને પરચુરણ સાચવવાની જગ્યા નથી, ગણવાનો ટાઇમ પણ નથી. આમ ચિલ્લર સમસ્યા ઉકેલવા હવે મંદિર તરફથી ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. શિર્ડી સાઈ સંસ્થાનના શિર્ડી ગામની લગભગ એક ડઝન બેન્કમાં અને નાશિકની રાષ્ટ્રીયકૃત બેન્કમાં ખાતા છે. આમાં ૨૬૦૦ કરોડની થાપણ પડેલી છે, પરંતુ પરચુરણના પ્રવાહને પહોંચી વળવા વધુ બેન્કોમાં ખાતા ખોલવામાં આવશે.સાઈ સંસ્થાનના સીઈઓ રાહુલ જાધવે જણાવ્યું હતું કે છત્રપતિ કોમ્પ્લેક્સમાં કેનેરા બેન્ક પહેલે માળે આવેલી છે. બેન્કના સ્ટ્રોંગ રૃમમાં ત્રણ ટ્રક ભરાય એટલાં પરચુરણનો ઢગલો થયો છે. ગ્રાઉન્ડ ફ્લોરના દુકાનદારોને ભય સતાવી રહ્યો છે કે પરચુરણના ભારથી છત તૂટી પડશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500