મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં 12 વર્ષની બાળકીની દુષ્કર્મની ઘટના મામલે રાહુલ ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે બાદ હવે પ્રિયંકા ગાંધીએ પણ સરકાર પર આક્રમક પ્રહાર કર્યા છે. તેમણે સોશ્યલ મીડિયા પોસ્ટ કરીને લખ્યું હતું કે ભાજપના 20 વર્ષના કુશાસનમાં દિકરીઓ, મહિલાઓ, આદિવાસીઓ અને દલિતો સુરક્ષિત નથી.
પ્રિયંકા ગાંધીએ રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે જો દિકરીઓની સુરક્ષા અને મદદ ન મળી શકે તો વ્હાલી બહેનના નામે ચૂંટણીલક્ષી જાહેરાતો શું ફાયદો? પ્રિયંકા ગાંધીએ આગળ લખ્યું છે કે ભગવાન મહાકાલની નગરી ઉજ્જૈનમાં એક નાની બાળકી સાથે થયેલી દુષ્કર્મની ઘટના આત્માને હચમચાવી દેનાર છે. દુષ્કર્મ બાદ તે કલાકો સુધી મદદ માટે ભટકતી રહી અને બાદમાં બેભાન થઈને રસ્તા પર જ પડી ગઈ પરંતુ તેને મદદ મળી ન હતી. શું મધ્યપ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા અને મહિલાઓની સુરક્ષા આવી છે?
શું હતી ઘટના?
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક 12 વર્ષની કિશોરી પર હેવાનિયત ગુજારાયાનો કિસ્સો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. લોહીમાં લથબથ અને દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરી અર્ધનગ્ન હાલતમાં ઉજ્જૈનની શેરીઓમાં મદદ માગવા કલાકો સુધી ભટકતી જોવા મળી હતી.જોકે કોઈએ તેની મદદ નહોતી કરી.છેવટે પોલીસે તેની મદદ કરી.પોલીસે આ મામલે તપાસ કરવા એસઆઈટીની રચના કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500