જગન મોહન રેડ્ડીનની સરકારમાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમમાં ઘીમાં ગાયની ચરબી અને માછલીના તેલની ભેળસેળના વિવાદ વકર્યો છે. ચંદ્રાબાબુ નાયડુની સરકારે ઘીમાં ભેળસેળની તપાસ માટે એસઆઈટીની રચના કરી છે. બીજીબાજુ નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે વાયએસઆર કોંગ્રેસનાં પાપોનું પ્રાયશ્ચિત કરવા શનિવારથી તિરુપતિ મંદિરમાં ૧૧ દિવસના ઉપવાસ શરૂ કર્યા છે. તિરુપતિ મંદિરના લાડુના પ્રસાદમાં જાનવરોની ચરબીની ભેળસેળના વિવાદમાં પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ તેમની સામેના આરોપો નકારી કાઢ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વર્તમાન મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુને નખશીખ જુઠ્ઠા ગણાવ્યા છે.
જગન મોહને ચંદ્રાબાબુ પર કરોડો લોકોની આસ્થાને ઠેસ પહોંચાડવાનો આક્ષેપ કર્યો છે. બીજી બાજુ વાયએસઆર સરકાર પર લાડુના પ્રસાદના ઘીમાં ભેળસેળનો આરોપ મૂકીને સનસનાટી મચાવનાર મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ ઘીમાં ભેળસેળની તપાસ માટે એસઆઈટીની રચના કરી છે. તેમણે આક્ષેપ કર્યો કે અગાઉની સરકારમાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી) બોર્ડની નિમણૂકો 'જુગાર' સમાન બની રહી હતી અને હિન્દુ ધર્મમાં આસ્થા ના હોય તેવા લોકોની નિમણૂકો કરવામાં આવતી હતી. નાયડુએ કહ્યું કે, આઈજી સ્તર અથવા તેનાથી ઉપરના અધિકારી એસઆઈટીનું નેતૃત્વ કરશે. આ એસઆઈટી સત્તાના દુરુપયોગના બધા જ કારણોની તપાસ કરશે.
વાયએસઆર સરકારે ટીટીડીને ઘી પૂરું પાડવા માટેની શરતોમાં ફેરફાર કર્યા હતા. વધુમાં ઘીના સપ્લાયરના ટર્નઓવરની જરૂરિયાત ઘટાડીને રૂ. ૧૫૦ કરોડ કરી હતી, જે અગાઉ રૂ. ૨૫૦ કરોડ હતી. ત્રણ વર્ષના અનુભવની શરતમાં પણ ફેરફાર કરાયા હતા. દરમિયાન નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે વાયએસઆર કોંગ્રેસના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે તિરુપતિ મંદિરમાં ૧૧ દિવસના ઉપવાસ શરૂ કર્યા છે. તેમણે કહ્યું તિરુપતિ મંદિરના પ્રસાદના લાડુમાં જાનવરની ચરબીની ભેળસેળની ઘટનાથી ખૂબ જ દુખી છું. ભગવાન વેંકટેશને પ્રસન્ન કરવા માટે હું ૧૧ દિવસ તપસ્યા કરીશ. તેમણે કહ્યું હતું કે, આવી ઘટના જો કોઈ મસ્જિદ સાથે થઈ હોત તો આખા દેશમાં ભારે અવ્યવસ્થા ફેલાઈ ગઈ હોત.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500