દેશના નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે અંદાજપત્ર રજૂ કર્યું હતું. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટ અંગે પત્રકાર પરિષદ યોજી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના અમૃતકાળનો રોડમેપ કંડારતું બજેટ ગણાવ્યું છે. આ બજેટ દરેક ક્ષેત્રને આવરી લેતું બજેટ છે. આ બજેટમાં દરેક વર્ગનું ધ્યાન રાખવામાં આવ્યુ છે અને આ બજેટમાં ગુજરાતને ઘણાં ફાયદા થશે. કેન્દ્ર સરકારના બજેટમાંથી પ્રેરણા લઈ આગામી દિવસોમાં ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સામાન્ય વ્યક્તિથી લઈ ગરીબ, વંચિત, શોષિત, ખેડૂત, મહિલા, યુવા, વરિષ્ઠ નાગરિક એમ દરેક વર્ગને આવરી લેતુ આ બજેટ અમૃતકાળને અમૃત બનાવતું બજેટ છે.
મુખ્ય સાત પાયા આધારિત આ બજેટ બનાવ્યું છે. જેમાં ઈન્ક્લુઝિવ ડેવલોપમેન્ટ એટલે સમાવેશી વિકાસ, રિચિંગ ધ લાસ્ટ માઈલ એટલે અંતિમ છેડાના વ્યક્તિ સુધી પહોંચવાનું લક્ષ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઈન્વેસ્ટમેન્ટ, યુથ પાવર, ગ્રીન ગ્રોથ, ક્ષમતા ઉજાગર કરવી અને, ફાઈનાન્શિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બજેટમાં ગુજરાતને ખૂબ મોટો ફાયદો થશે. ગુજરાતમાં ગિફ્ટ સિટી, લેબ્રોન ડાયમંડ, પશુપાલનથી લઈ ડેરી ઉદ્યોગ સુધી ફાયદા મળશે. શેરડીના ખેડૂતો અને સરકારી ખાંડની મંડળીને 10 હજાર કરોડનો ફાયદો થશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, કેપિટલ ઈન્વેસ્ટમેન્ટમાં 33 ટકા, આવાસ યોજનામાં 66 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત તેનો સંપૂર્ણ લાભ લઈ આગળ વધવાનો પ્રયત્ન કરશે. સહકારી માળખાનો સૌથી વધુ લાભ ગુજરાત લેશે. ગુજરાતમાં સહકારી માળખુ સૌથી મજબૂત છે. કેન્દ્ર સરકારના બજેટમાંથી પ્રેરણા લઈ ગુજરાત સરકાર પોતાનું બજેટ રજૂ કરશે. ભારતના તમામ રાજ્યો કરતા ગુજરાતને સૌથી વધુ મેચિંગ ગ્રાન્ટ મળી છે. દરેક જગ્યાએ જેમ કે, નલ સે જલ યોજના, હાઉસિંગ, ગ્રામિણ હાઉસિંગ વગેરેમાં ફંડ પ્રાપ્ત થયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500