અમદાવાદમાં ભાજપ,કોંગ્રેસ,આપ અને અપક્ષ 124 ઉમેદવારોના 161 ફોર્મ ભરાયા હતા. ઘાટલોડિયાના ભાજપના ઉમેદવાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ફોર્મ ભર્યું હતું. તેમના રજૂ કરેલા સોગંદનામામાં 5.21 કરોડની મિલકત જાહેર કરી હતી. તેમની પત્નીના નામે 2.50 કરોડની મિલકત છે. 2017માં તેમની પાસે 4.10 કરોડની મિલકત હતી.
બીજી તરફ જમાલપુર-ખાડિયા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલાએ પણ ફોર્મ ભર્યું હતું. તેમની એફિડેવિટ મુજબ 1.44 કરોડની મિલકત જ્યારે 7.50 લાખના દાગીના છે. 5 વર્ષ પહેલાં એટલે કે 2017માં તેઓ પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટણીમાં ઊભા રહ્યા હતા તે સમયે તેમની પાસે માત્ર 43 લાખની મિલકત અને 3 લાખના દાગીના હતા. જેમાં 5 વર્ષમાં મિલકતમાં 1 કરોડનો વધારો થયો છે. વટવાના કોંગ્રેસના ઉમેદવાર બળવંતસિંહ ગઢવીએ પણ તેમની પાસે 24.91 કરોડની મિલકત અને 4 લાખીના ઝવેરાત હોવાનું એફિડેવિટમાં જાહેર કર્યું છે.
આ જ બેઠકના ભાજપના ઉમેદવાર બાબુસિંહ જાદવે 85 લાખની મિલકત જાહેર કરી હતી. અમદાવાદમાં મોટાભાગે ભાજપ- કોંગ્રેસના તમામ ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. ગુરુવારે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. મોટાભાગના તમામ ઉમેદવારો કરોડપતિ છે. ભાજપના દસ્ક્રોઈના ઉમેદવાર બાબુ જમના પાસે સૌથી વધુ 61.47 કરોડની સંપત્તિ છે. જ્યારે નિકોલના ઉમેદવાર જગદીશ પંચાલ પાસે પણ 29 કરોડની સંપત્તિ છે. અમદાવાદના એકાદ-બે ઉમેદવારને બાદ કરતાં કોઈપણ ઉમેદવાર સામે ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500