ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઇબ્રાહિમને કરાચીમાં કથિત રીતે ઝેર આપવામાં આવ્યું છે, એવા સમાચાર ગઇ કાલ રાતથી ફરી રહ્યા છે. તાજેતરના મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ૧૯૯૩ના બોમ્બેના શ્રેણીબદ્ધ વિસ્ફોટોના માસ્ટરમાઇન્ડને ઝેર આપ્યા બાદ તેની હાલત ગંભીર હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
અહેવાલોમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે કરાચીની હોસ્પિટલનો આખો ફ્લોર કોર્ડન કરી લેવામાં આવ્યો છે.દાઉદના સમાચાર બહાર ના જાય તે માટે પાકિસ્તાનમાં ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. હવે આ બાબતે અમે આપને લેટેસ્ટ અપડેટ આપી રહ્યા છીએ.દાઉદની સ્થિતિ અંગે પાકિસ્તાનના સત્તાવાળાઓ તરફથી કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી. અંડરવર્લ્ડ ડોનના નજીકના સાથી છોટા શકીલે દાઉદને ઝેર આપવામાં આવ્યું હોવાના અફવાજનક અહેવાલોનું ખંડન કર્યું છે. છોટા શકીલે કુખ્યાત ગેંગસ્ટરને ઝેર આપવામાં આવ્યું હોવાના સમાચારોને નકારી કાઢતા જણાવ્યું છે કે દર વર્ષે ડોનના જન્મદિવસ પહેલા તેના મૃત્યુના સમાચાર ચગતા હોય છે.
લોકોને ૧૯૯૩ના મુંબઇના વિસ્ફોટો યાદ હશે. આ હુમલામાં ૨૫૦થી વધુ લોકો માર્યા ગયા હતા. આ હુમલાનો માસ્ટર માઇન્ડ દાઉદ ત્યાર બાદ ભારતમાંથી ભાગી ગયો હતો અને દાયકાઓથી પાકિસ્તાનમાં છુપાયેલો છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં દાઉદ ઇબ્રાહીમની બહેન હસીના પારકરના પુત્રએ નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી (એનઆઇએ)ને જણાવ્યું હતું કે દાઉદ બીજી વખત લગ્ન કર્યા બાદ કરાચીમાં જ રહે છે.
તેને ભારત અને યુએસએ દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. ૧૯૯૩ બાદ ૨૦૦૩ના બોમ્બેના બોમ્બધડાકામાં તેની ભૂમિકા રહી હતી. તેના માથા પર ૨૫ મિલિયન યુએસ ડોલરનું ઇનામ રાખવામાં આવ્યું હતું.હત્યા,ખંડણી ટાર્ગેટેડ કિલિંગ, ડ્રગ્સની હેરફેર, આતંકવાદ સહિતના આરોપોમાં તે વોન્ટેડ છે.દાઉદની બીજી પત્ની પઠાણ છે. તેનું નામ માઇઝાબીન છે. તેને ત્રણ પુત્રી મારુખ (જાવેદ મિયાંદાદના પુત્ર જુનૈદ સાથે પરિણીત),મહેરીન (પરિણીત) અને મઝિયા (અપરિણીત) અને એક પુત્ર મોહિન નવાઝ (પરિણીત) છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500