બારડોલી અને કડોદરા વિસ્તાર સહિત સમગ્ર સુરત જિલ્લામાં ઉત્તર ભારતીય સમાજ દ્વારા રવિવારે સાંજે અસ્ત ચલગામી સૂર્યને અર્ધ્ય અર્પવામાં આવ્યું હતું. ગુજરાત ઉત્તર ભારતીય સેવા સંઘ દ્વારા બારડોલીનાં ઉતારા ગામે મીંઢોળા નદી કિનારે છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બિહારવાસીઓ અને ઉત્તર ભારતીય સમાજના લોકો જોડાયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં બારડોલી અને આજુબાજુનાં વિસ્તારમાં વસતા ઉત્તર ભારતનાં લોકો અસ્ત થઈ રહેલા સૂર્યને અર્ધ્ય અર્પણ કરવા એકત્રિત થયા હતા. વ્રતિઓએ જળમાં ઉભા રહી અર્ધ્ય અર્પણ કર્યું હતું. નહાય ખાય સાથે શુક્રવારથી શરૂ થયેલ આ વ્રત સોમવારે સૂર્યોદય સાથે સમાપ્ત થશે.
બારડોલી નજીક આવેલા ઉતારા ગામથી પસાર થતી મીંઢોળા નદીના કિનારે ગુજરાત ઉત્તર ભારતીય સેવા સંઘ બારડોલી પ્રદેશ દ્વારા છઠ્ઠપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બારડોલીનાં ધારાસભ્ય, સુરત જિલ્લા પંચાયત પ્રમુખ, બારડોલી નગર ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બારડોલી શહેર તેમજ આજુબાજુમાં રહેતા બિહાર અને ઉત્તર ભારતના લોકોને છઠની શુભકામના પાઠવી હતી. નદી કિનારે ડીજેના તાલ સાથે વ્રતીઓ પહોંચ્યા હતા સાથે ફટાકડા ફોડી છઠનો ઉત્સવ મનાવ્યો હતો. સોમવારે સવારે ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પિ વ્રતની સમાપ્તિ થશે.
બીજી તરફ પલસાણા તાલુકાનાં ઔદ્યોગિક શહેર કડોદરા અને આજુબાજુનાં ગામોમાં વસતા બિહાર અને ઉત્તર ભારતનાં લોકોએ છઠ પૂજા ખૂબ જ શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે મનાવી હતી. આ વિસ્તારમાં સૌથી વધુ બિહાર અને ઉત્તર ભારતનાં લોકો વસવાટ કરે છે. પલસાણા તાલુકાનાં બગુમરા, તાંતીથૈયા, કડોદરા, ચલથાણ, વરેલી, પલસાણા અને અન્ય અનેક જગ્યાઓ પર નહેર અને તળાવનાં કિનારે છઠ્ઠી મૈયાની પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉત્તર ભારતીય સમાજમાં અગ્રણી અરુણ દુબે, કડોદરા નગર ભાજપ પ્રમુખ, વરેલી ગામના સરપંચ સહિત અગ્રણીઓએ છઠની શુભકામના પાઠવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500