22 એપ્રિલ અક્ષય તૃતીયના દિવસથી ગંગોત્રી, યમનોત્રી ધામોના કપાટ ખૂલવાની સાથે જ ચારધામ યાત્રાનો શુભારંભ થયો છે. ઉત્તરાખંડમાં ખરાબ હવામાન બાદ હવે થોડી રાહત મળી છે. વરસાદ પછી કેદારનાથ ધામ અને બદરીનાથ ધામમાં જોરદાર હિમવર્ષા થઈ. કેદારનાથ યાત્રા શરૂ થવામાં હજુ બે દિવસની વાર છે ત્યારે કેદારનાથ અને પગપાળા જવાના રસ્તાઓમાં સતત ખરાબ થઈ રહેલા હવામાન મુશ્કેલીઓ વધારી રહ્યું છે.
અહી વરસાદ અને હિમવર્ષામાં પણ સતત રસ્તાઓ ખોલવાનુ કામ ચાલી રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર હિમવર્ષા પછી સતત સખત મહેનત કરીને પગપાળા જવાના રસ્તાઓ બનાવવામાં લાગી ગયું છે. ઉલ્લેખનીય છે કે કેદારનાથ ધામના કપાટ 25 એપ્રિલ અને બદરીનાથ ધામના કપાટ 27 એપ્રિલના રોજ ખુલશે.
મહત્વનું છે કે ઉત્તરાખંડ ચાર ધામ યાત્રા માટે દિલ્હી એનસીઆર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે. કેદારનાથ ધામમાં છેલ્લા ત્રણ દિવસથી હવામાન ખૂબ જ ખરાબ ચાલી રહ્યું હોવાથી કેદારનાથ ધામ અને કેદારનાથ યાત્રા માર્ગમાં વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. કેદારનાથમાં હવામાન સુધર્યા બાદ ભૈરવ ગદેરે પાસે ગ્લેશિયર આવવાને કારણે બંધ કરવામાં આવેલ રસ્તો ખોલી દેવામાં આવ્યો હતો.કેદારનાથ ધામમાં પીવાના પાણીની લાઈનો, વીજપોલ અને ટ્રાન્સફૉર્મર્સ અને બનાવવામાં આવી રહેલા ટેન્ટ્સને હિમવર્ષાને કારણે નુકશાન થયું છે. યાત્રાની તૈયારીઓમાં લાગેલ વહીવટી તંત્રનો દાવો છે કે કેદારનાથ ધામના કપાટ ખૂલતાં પહેલા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવશે જેથી શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન ભોગવવી પડે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500