ISROનું ચંદ્રયાન 3 મિશન સફળ થઈ ગયુ છે પરંતુ હવે એવી ખબર આવી રહી છે કે, આ મિશન હવે ફરીથી શરૂ થઈ શકે છે. ISROના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, તારીખ 23 સપ્ટેમ્બરના રોજ ચંદ્રયાન-3ના લેન્ડર અને રોવર ફરીથી એક્ટિવ થઈ શકે છે. જો એવું થશે તો ચંદ્રયાનનાં રોવર ચંદ્રની સપાટી પરથી વધુ ડેટા ઈસરોને મોકલી શકશે. ISROનાં સ્પેસ એપ્લીકેશન સેન્ટરના નિર્દેશક નિલેશ દેસાઈએ જણાવ્યું કે, ગત 3 સપ્ટેમ્બરના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર રાત પડી જતા ચંદ્રયાન-3નાં લેન્ડર વિક્રમ અને પ્રજ્ઞાન રોવરને સ્લીપ મોડમાં નાખી દેવામાં આવ્યા હતા. નિલેશ દેસાઈએ જણાવ્યું કે, લેન્ડર અને રોવર પર સોલર પેનલ લગાવવામાં આવી છે અને ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર દિવસ થતા તે રિચાર્જ થઈ શકે છે. નિલેશ દેસાઈએ જણાવ્યું કે, અમારી યોજના પ્રમાણે તારીખ 23 સપ્ટેમ્બરના રોજ લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન રિવાઈવ થઈ શકે છે.
ચંદ્ર પર હવે દિવસ નીકળવાનું શરૂ થઈ ગયુ છે. જોકે એ જોવાનું રહેશે કે જ્યારે રાત્રે ચંદ્રની સપાટી પરનું તાપમાન માઈનસ 120થી માઈનસ 200 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જાય ત્યારે સોલાર પેનલ ફરીથી યોગ્ય રીતે કામ કરી શકશે કે કેમ??? દેસાઈએ કહ્યું કે, અમે આશા રાખીએ છીએ કે લેન્ડર પરના ચાર સેન્સર અને રોવર પરના બે સેન્સરમાંથી કેટલાક ફરીથી કામ કરવાનું શરૂ કરી શકે છે. જો આવું થશે તો આપણે આગળ પણ ચંદ્ર પર નવા પ્રયોગો કરી શકીશું. ચંદ્ર પરના દિવસો અને રાત પૃથ્વી પરના 14 દિવસના બરાબર છે. એટલે કે, 14 દિવસ માટે દિવસ અને 14 દિવસો માટે રાત હોય છે. જ્યારે ચંદ્રયાન 3નું લેન્ડર ચંદ્ર પર ઉતર્યું ત્યારે ચંદ્ર પર સવારનો સમય હતો.
આ જ કારણ હતું કે 14 દિવસ સુધી કામ કર્યા બાદ લેન્ડર અને રોવર સ્લીપ મોડમાં ચાલ્યા ગયા હતા. અંતરિક્ષ વિજ્ઞાની ડો.આરસી કપૂરને જ્યારે લેન્ડર અને રોવરના ફરીથી એક્ટિવ હોવા અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે 'લેન્ડર અને રોવરે તેમનું કામ કરી દીધું છે. જ્યારે બંનેને સ્લીપ મોડમાં નાખવામાં આવ્યા ત્યારે બંનેના તમામ ઉપકરણો યોગ્ય રીતે કામ કરી રહ્યા હતા. ઈસરોએ પહેલાથી જ ઘણો ડેટા એકત્ર કરી લીધો છે. એવું પણ બની શકે કે ઉપકરણો પહેલા જેવી સ્થિતિમાં કામ ન કરી શકે પરંતુ થોડી આશા બાકી છે. બની શકે કે, અમને સારા સમાચાર મળી જાય. ચંદ્ર પર દિવસ નીકળવાનું શરૂ થઈ ગયુ છે. રોવરને પહેલાથી જ એ રીતે રાખવામાં આવ્યુ છે કે, જ્યારે સૂરજ નીકળશે તો તેની રોશની સીધી રોવરના સોલર પેનલ્સ પર પડે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500