હાલમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી વાદળછાયા વાતાવરણ અને કેટલાક ઠેકાણે વરસાદી માહોલને પગલે કેરીના પાકને નુકસાન થવાની શક્યતાઓ ગણદેવી તાલુકાના ખેરગામમાં આવેલ અને નવસારી કૃષિ યુનિવર્સિટી સાથે સંલગ્ન એવું ફળ સંશોધન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિકોએ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે સમગ્ર કેરીના આંબા ઉપર 50 ટકા આંબા ઉપર આની કોઈ માઠી અસર થશે નહીં કારણ કે પીળવણી ચાલી રહી છે, પરંતુ 10થી 25 ટકા જેટલી નુકસાનીની શક્યતાવાળા આંબાઓ કે જેની ઉપર ફ્લાવરિંગ આવી ગયું છે કે આવવાની તૈયારીમાં છે એવા આંબા પર આવી ગયેલી મંજરી અને ફ્લાવરિંગને મધિયો યાને મધ જેવું મીઠું ચીકણું પ્રવાહી પડે તો એને કારણે આવેલા ફ્લાવરિંગ કાળુ પડી જાય કે રાખમાં પરિવર્તિત થતું હોય કેરીના પાકને નુકસાનની શક્યતાઓ વર્તાય રહી છે.
ખાસ કરીને કેરીની એવી જાતો હાફૂસ, રાજાપુરી, આમ્રપાલી, મલ્લિકા, સોનપરી જેવી જાતોની કેરીનાં વૃક્ષમાં પ્રતિકારકશક્તિ ઓછી હોય છે તેવા આંબાઓને હાલનું વાતાવરણ વધારે નુકસાનકારક રહેશે. જો કે આ લેઈટ ફ્લાવરિંગવાળી જાતો કહેવાય છે. આ વર્ષે આ જાતોમાં પહેલું ફ્લાવરિંગ થઈ ગયું હોય હાલનું વાતાવરણ એને નુકસાનકારક પુરવાર થવાની શક્યતા વ્યક્ત કરી છે. જોકે ચીકુના પાકને નુકસાનીની વિશેષ કોઈ શક્યતા નહીં હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ચીકુની સિઝન આ વર્ષે એક મહિનો મોડી ચાલી રહી હોય નુકસાનીની શક્યતા ઓછી છે. ખેરગામ ફળ સંશોધન કેન્દ્રના મુખ્ય સંશોધક ડો.અંકુરભાઈ પટેલ, ડો. એ.પી.પટેલ, ડો પી.કે.મોદી અને પેથોલોજીસ્ટ તરીકે કે.વી.મકવાણાએ જણાવ્યું હતું. વલસાડ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વાદળછાયું વાતાવરણ વચ્ચે ઠંડી ગાયબ થતા આંબાવાડીમાં મંજરી ફૂટ અટકી પડી છે.
આંબાવાડીમાં એકલ દોકલ આંબા પર નીકળેલી ફૂટને બચાવવા ખેડૂતો રસાયણિક દવાનો છંટકાવ કરી રહ્યા છે. હવામાનમાં આવેલા ફેરફારથી આંબાવાડીને નુકસાન નહીં થાય. જોકે, ઠંડી ગાયબ થતા ખેડૂતોની ચિંતા વધી છે. ઉમરગામ તાલુકા મઘ્યમ વર્ગનાં ખેડૂતોનો મુખ્ય પાક કેરી છે. ખેડૂતોની આંબાવાડીમાં હાફૂસ અને કેસર કેરીનાં ઝાડો જોવા મળે છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે, હાફૂસ કેરીનો પાક ફ્લોપ જાય તો કેસર કેરી ખેડૂતોએ કરેલો ખર્ચ મજરે મેળવી આપે છે. જેથી ઉમરગામ તાલુકામાં આંબાવાડીમાં કેસર કેરીનાં ઝાડોનું રોપાણ વધી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહથી હવામાનમાં ફેરફાર આવી વાદળ છાયા વાતવરણ વચ્ચે અમી છાંટણા પડી રહ્યા છે. જોકે ચાલુ વર્ષે વરસાદ લાંબો ખેંચાતા અને આંબાવાડીમાં પીલવણી નીકળતા આંબાવાડીમાં એકલદોકલ ઝાડો પર મંજરીની ફૂટ નીકળી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500