આગામી પાંચ દિવસ દરમિયાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત દેશના 14 રાજ્યમાં ભારે વરસાદ થઇ શકે છે જ્યારે ગુજરાત સહિત પાંચ રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે. અન્ય 10 રાજ્યમાં હવામાન વાદળછાયું રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, અરુણાચલપ્રદેશ, આસામ, મેઘાલય અને નાગાલેન્ડમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે. હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે.
ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પંજાબ અને હરિયાણામાં હળવો વરસાદ થઇ શકે છે. લેહ-લદાખમાં પણ ઝાપટાં પડવાની આગાહી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યાનુસાર એપ્રિલમાં સામાન્ય રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થતો હોય છે. આ ડિસ્ટર્બન્સ ભૂમધ્ય સમુદ્રના વિસ્તારોમાં સર્જાય છે અને દર વર્ષે ઓક્ટોબરથી એપ્રિલ દરમિયાન ઉત્તર ભારતમાં વરસાદ લાવે છે. સ્પીડ, ટાઇમ અને લોકેશનના આધારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વરસાદ, બરફવર્ષા, શીતલહેર કે પછી પૂર પણ લાવી શકે છે.રાજસ્થાનમાં આ ઉનાળામાં લોકો હીટવેવના બદલે ધૂળવાળા ઠંડા તોફાની પવનનો સામનો કરી રહ્યા છે. ભીલવાડામાં વીજળી પડતા એક વ્યક્તિનું મોત થયું હતું. શુક્રવારે સવારે પાલીના કેટલાક ક્ષેત્રોમાં વરસાદ થયો હતો. ગુરુવારે સાંજે રાજસ્થાનના હનુમાનગઢ અને ગંગાનગર સહિત ઉત્તર ભારતમાં આંધી આવી હતી.
પ. બંગાળના પાંચ જિલ્લામાં વીજળી પડવાથી 14 લોકોનાં મૃત્યુ થયા
ભરઉનાળે વાતાવરણમાં અચાનક પલટા આવવાના લીધે દેશમાં ઘડીમાં ચોમાસું તો ઘડીમાં ઉનાળાનો અનુભવ થતો રહે છે. હવામાન ખાતું ક્યારેક આગ ઝરતી ગરમીની તો આંતરે સમયે વા-વંટોળ સાથે વરસાદી ઝાપટાંની આગાહી કરતું રહે છે. ગુરુવારે પશ્ચિમ બંગાળમાં પલટાયેલા હવામાનને કારણે વરસાદી માહોલ જામ્યો હતો. આવા વાતાવરણમાં આકાશમાંથી વીજળી પડવાના કારણે જુદા જુદા જિલ્લામાં કુલ 14 લોકોનાં મૃત્યુ થયાં હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
પ. બંગાળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના એક અધિકારીએ આપેલી માહિતી અનુસાર, વીજળી પડવાના કારણે પૂર્વ બર્ધમાન જિલ્લામાં ચાર તથા મુર્શિદાબાદ અને ઉત્તર 24 પરગણામાં બે-બે લોકોનાં મૃત્યુ થયાં હતાં. જ્યારે પશ્ચિમ મિદનાપુર અને હાવડા ગ્રામીણમાં પણ વીજળી પડવાના કારણે ત્રણ-ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતાં. અધિકારીએ જણાવ્યા અનુસાર, આકાશી વીજળી પડવાના કારણે મૃત્યુ પામેલા મોટાભાગના લોકો ખેડૂત હતા, જેઓ તે સમયે ખેતરમાં કામ કરી રહ્યા હતા. આ પ્રકારના માહોલને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500