ગુજરાતમાં હાલ ચોમાસુ સક્રિય છે અને તેની સાથે ભારે અને તોફાની વરસાદ વરસે તેવી સિસ્ટમ પણ સતત સર્જાતી રહે છે. ઉતર ગુજરાત પર સમુદ્ર સપાટીથી 3.1 કિ.મી.ની ઉંચાઈએ હવાનું સાયક્લોનિક સર્ક્યુલેશન જાહેર રહ્યું છે અને સાથે દક્ષિણ ગુજરાતથી કેરલના કાંઠા સુધી ટ્રોફ પણ છે, ત્યારે હાલ ગુજરાતમાં તેમજ બે દિવસ બાદ સૌરાષ્ટ્રમાં ભારે અને વ્યાપકપણે રસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. તો 25 જુલાઈ સુધી ગુજરાતમાં સામાન્યથી અધિક વરસાદનું પૂર્વાનુમાન છે અને આગામી છ દિવસ સુધી દેશભરમાં અનેક રાજ્યોમાં વ્યાપક વરસાદની આગાહી કરાઈ છે.
દક્ષિણ ગુજરાત પ્રદેશના નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીના જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે નર્મદા, ભરૂચ સુરત, ડાંગ, તાપી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ મહિસાગર, વડોદરા અને છોટાઉદેપુર જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, બોટાદ અને કચ્છ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
દરિયો ગાંડોતૂર બન્યો છે અને સોમનાથ, જુનાગઢ, દ્વારકા, પોરબંદર અને દિવના દરિયામાં 3.3થી 4.2 મીટર ઉંચા મોજા ઉછળવાનું રેડ એલર્ટ અને કચ્છનાં દરિયામાં 2.2થી 3.3 મીટરના મોજા ઉછળવા ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. ઉપરાંત સુરત, ભરુચ અને ભાવનગરના દરિયામાં સમુદ્રનો કરન્ટ તીવ્ર રહેશે અને પ્રતિ સેકન્ડ 2 મીટરની ઝડપે મોજા ધસમસતા આવવાનું પૂર્વાનુમાન છે. જેના પગલે દરિયાકાંઠે ન્હાવા, બોટિંગ જેવી મનોરંજક એક્ટિવિટી નહીં કરવા તેમજ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે. સૌરાષ્ટ્રના દરિયામાં પ્રતિ કલાક મહત્તમ 65 કિ.મી. સુધી મીની વાવાઝોડુ ફૂંકાવાની પણ ચેતવણી અપાઈ છે.
સુરત, ભરુચ, તાપી, નવસારી, વલસાડ જિલ્લા તથા દમણ પ્રદેશમાં ભારે વરસાદની અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અન્ય જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી અપાઈ છે. પરંતુ, બે-ત્રણ દિવસ બાદ વરસાદનું જોર વધશે અને તારીખ 16થી 18 જૂલાઈ દરમિયાન ગુજરાતભરમાં વ્યાપક વરસાદની અને ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે. 16 જુલાઇએ નવસારી, વલસાડ ઉપરાંત અમરેલી, ભાવનગર જિલ્લામાં અતિ ભારે વરસાદનું તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, સોમનાથ, બોટાદ જિલ્લા અને દિવ પ્રદેશ તથા આણંદ, વડોદરા, નર્મદા, ભરુચ, સુરત, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ તાપી, ડાંગ જલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે. બીજી તરફ, હવામાન વિભાગે પખવાડિયાનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે તે મુજબ તારીખ 25 જૂલાઈ સુધી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં વરસાદ નોર્મલ વરસતો હોય તેનાથી અધિક રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500