કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના રાયપુર સંમેલનમાં પોતાના સંબોધનમાં ભાજપ અને આરએસએસ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ અને સમગ્ર દેશ માટે આ પડકારોથી ભરેલો સમય છે. તેમણે કહ્યું કે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે દેશની દરેક સંસ્થા પર કબજો કરી તેને બરબાદ કરી નાખ્યો છે.કેટલાક ઉદ્યોગપતિઓની તરફદારીથી આર્થિક તબાહી સર્જાઈ છે.સોનિયા ગાંધીએ કહ્યું કે વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. ભાજપ નફરતની આગ ભડકાવે છે અને લઘુમતીઓ, દલિતો, આદિવાસીઓ અને મહિલાઓને નિશાન બનાવી રહી છે.
દેશની લોકશાહી તોડવાનું ષડયંત્ર થઈ રહ્યું છે – ખડગે
આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર દેશને તોડવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો અને દાવો કર્યો હતો કે સરકારમાં બેઠેલા લોકોના ડીએનએ ગરીબ વિરોધી છે. પાર્ટીની 85મી કોંગ્રેસમાં તેમના પ્રમુખપદના ભાષણમાં, તેમણે "દ્વેષનું વાતાવરણ", મોંઘવારી, બેરોજગારી અને રાષ્ટ્રીય સુરક્ષાની સ્થિતિ પર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા.
ખડગેએ કહ્યું કે અમે ભાજપને હરાવવા માટે સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે ગઠબંધન કરવા તૈયાર છીએ. તેમણે આરોપ લગાવ્યો કે, "દેશની લોકશાહીને તોડવાનું ષડયંત્ર થઈ રહ્યું છે, તેની સામે આંદોલન કરવું પડશે." ખડગેએ કહ્યું, "આજે સત્તા પર બેઠેલા લોકો લોકોના અધિકારો પર હુમલો કરી રહ્યા છે, આજે દરેકે 'સેવા, સંઘર્ષ અને બલિદાન, સૌ પ્રથમ ભારત'ની પ્રતિજ્ઞા લેવી પડશે." ખડગેએ કહ્યું કે આજે દેશ સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500