કેન્દ્ર સરકાર આગામી સપ્તાહથી ચીન અને અન્ય પાંચ દેશો જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ, થાઇલેન્ડ અને સિંગાપોરમાંથી આવતા યાત્રીઓ માટે નેગેટિવ RT-PCR રિપોર્ટ ફરજિયાત બનાવે તેવી શક્યતા છે તેમ સત્તાવાર સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું હતું. ચીનમાં કોરોના વાયરસે વરસાવેલા હાહાકાર પછી ભારતમાં પણ ચિંતાજનક ખબરો મળી રહી છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા, મુજબ આગામી 40 દિવસ ભારત માટે મુશ્કેલીભર્યા બની રહેવાના છે. કારણ કે જાન્યુઆરીમાં કોરોના કેસો વધવાની પૂરી સંભાવના દેખાઈ રહી છે. દેશમાં કોરોનાનું ત્રીજું મોજું ફરી વળવાની શક્યતા છે.
વાસ્તવમાં પૂર્વ એશિયામાં કોવિડ ફેલાયા પછી 30-35 દિવસે ભારતમાં કોવિડનું મોજું આવ્યું હતું. આ એક ટ્રેન્ડ બની ગયો છે જેના આધારે આ અનુમાન કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ચીનમાં ફેલાયેલા કોવિડ-મોજાનું કારણ ઑમિક્રોનનું સબ વેરિયન્ટ BF-7 છે. આ પ્રકારના બધા જ સબ-વેરિયન્ટ ઝડપભેર સંક્રમણ ફેલાવે છે અને એકી સાથે 16 લોકોને સંક્રમિત કરી શકે છે. જોકે, આરોગ્ય મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે, આ વખતે સંક્રમણ બહુ ગંભીર નહી રહે તેવામાં કોઈ મોજું આવે તો પણ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની સંખ્યા તેમજ કોવિડથી થતા મૃત્યુદર પણ ઓછો રહેશે.
નવા વેરિયન્ટ BF-7 ઉપર દવાઓ અને વેક્સિન કેટલા અસરકારક નીવડે છે તે અંગે પણ આરોગ્ય મંત્રાલય અભ્યાસ કરી રહ્યું છે. છેલ્લા બે દિવસમાં 6 હજાર આંતરરાષ્ટ્રીય યાત્રીઓની તપાસ થઈ ચૂકી છે તેમાં 41 કોરોના પોઝિટીવ મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાહુલ ગાંધીને જણાવ્યું હતું કે જો ભારત જોડો યાત્રામાં કોરોના પ્રોટોકોલનો અમલ થતો ન હોય તો આ યાત્રા બંધ કરવી જોઇએ. હાલમાં આ યાત્રામાં શિયાળુ બ્રેક ચાલી રહ્યો છે અને ત્રણ જાન્યુઆરીથી આ યાત્રા ફરીથી શરૂ થશે. જોકે સીએસઆઇઆર-ઇન્સ્ટીટયૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇન્ટેગ્રેટીવ બાયોલોજી (આઇજીઆઇબી)નાં જણાવ્યા અનુસાર, ભારતમાં કોરોનાની મોટી લહેર આવવાની શક્યતા ખૂબ જ ઓછી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા, અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 188 કેસ નોંધવામાં આવ્યા છે.
જ્યારે બીજી તરફ એક્ટિવ કેસો વધીને 3468 થઇ ગયા છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. આ સાથે જ દેશમાં કોરોનાનાં કુલ કેસોની સંખ્યા વધીને 4,46,77,647 થઇ ગઇ છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 5,30,696 લોકોનાં મોત થયા છે. દૈનિક પોઝિટીવ રેટ 0.14 ટકા અને સાપ્તાહિક પોઝિટીવ રેટ 0.18 ટકા નોંધવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસોમાં એક્ટિવ કેસોમાં 47નો ઘટાડો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર રાષ્ટ્રવ્યાપી કોરોના વેક્સિન અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોરોના વેક્સિનના 220.07 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500