બિહારના બે વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા કર્પૂરી ઠાકુરને મરણોત્તર ભારત રત્ન આપવા કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે, જ્યારે આજરોજ કર્પૂરી ઠાકુરની 100મી જન્મજયંતિ છે. કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ ઘણાં સમયથી ઉઠી રહી હતી. આજે JDU નેતા કેસી ત્યાગીએ ઠાકુરને ભારત રત્ન આપવાની સાથે તેમના નામે યુનિવર્સિટી ખોલવાની માંગ કરી હતી. ‘કર્પૂરી ઠાકુર’ના પુત્ર રામનાથ ઠાકુરે કહ્યું કે, ‘અમને 36 વર્ષની તપસ્યાનું ફળ મળ્યું છે. હું મારા પરિવાર અને બિહારના 15 કરોડ લોકો તરફથી સરકારનો આભાર માનું છું.’ કર્પૂરી ઠાકુરનો જન્મ સમસ્તીપુર જિલ્લાના પિતૌજિયા ગામમાં થયો હતો. વર્ષ-1940માં પટણાથી મેટ્રિક પરીક્ષા પાસ કર્યા બાદ તેઓ સ્વતંત્રતા આંદોલનમાં કુદી પડ્યા હતા.
તેમણે આચાર્ય નરેન્દ્ર દેવ સાથે ચાલવાનું પસંદ કર્યું હતું, ત્યારબાદ તેમણે સમાજવાદનો રસ્તો પસંદ કર્યો અને 1942માં ગાંધીના અસહયોગ આંદોલનમાં ભાગ લીધો હતો, જેના કારણે તેમણે જેલમાં પણ જવું પડ્યું હતું. વર્ષ 1945માં જેલમાંથી બહાર આવ્યા બાદ કર્પૂરી ઠાકુર સમાજવાદી આંદોલનના ચહેરા બની ગયા હતા. તેમનો ઉદ્દેશ્ય અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થવા ઉપરાંત દલિતો, પછાત અને વંચિતોને પણ સન્માનપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપવા સમાજની અંદરના જાતીય તેમજ સામાજિક ભેદભાવને દુર કરવાનો હતો. કર્પૂરી ઠાકુર 1952માં સોશલિસ્ટ પાર્ટીની ટિકિટ પરથી તાજપુર વિધાનસભા બેઠક જીતી ધારાસભ્ય બન્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ સંયુક્ત સોશલિસ્ટ પાર્ટીએ 1967ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં જંગી બહુમતી મેળવી હતી, જેના કારણે બિહારમાં પ્રથવાર બિન-કોંગ્રેસી પાર્ટીની સરકારે સત્તા હાંસલ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500