છત્રપતિ શિવાજી મહારાજે જે વાઘનખતી અફઝલખાનનો વધ કરેલો એ વાઘનખ બ્રિટનથી ભારત આવવાના છે એવી રીતે શિવાજીની ઐતિહાસિક જગદંબા તલવાર ભારત લાવવા માટે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારે પ્રયાસ હાથ ધર્યા છે. કારણ કે, શિવાજી મહારાજના રાજ્યાભિષેકને સાડાત્રણસો વર્ષ પૂરા થઈ રહ્યા હોવાથી 2024 સુધીમાં આ તલવાર સ્વદેશ આવે એ જરૂરી છે. શિવાજી મહારાજની તલવાર ભારત લાવવા માટે થઈ રહેલા પ્રયાસ વિશે સવિસ્તાર માહિતી દિવંગત વડા પ્રધાન અટલબિહારી વાજપેયીના માજી મિડિયા સલાહકાર અશોક ટંડનના 18મી ઓક્ટોબરે પ્રગટ થનારા પુસ્તક ધી રિવર્સ સ્વિંગ'માં આપવામાં આવી છે. જગદંબા તલવાર અત્યારે લંડનના સેંટ જેમ્સ પેલેસના રોયલ કલેક્શન ટ્રસ્ટના સંગ્રહાલયમાં રાખવામાં આવી છે.
1857માં જ્યારે પ્રિન્સ ઓફ વેલ્સ, અડવર્ડ સાતમાએ ભારતની મુલાકાત લીધી ત્યારે કોલ્હાપુરના તત્કાલીન મહારાજાએ જગદંબા તલવારની તેમને ભેટ આપવામાં આવી હતી. સૌથી પહેલાં રાણી એલિઝાબેથ-દ્વીતીયને આ તલવાર પાછી મોકલવા ભારત તરફથી લેખિત અનુરોધ કરવામાં આવ્યો હતો. હવે કેન્દ્ર સરકાર ભારતીય મૂળના બ્રિટિશ વડા પ્રધાન ઋષી સુનકને તલવાર પાછી આપવા માટે અપીલ કરે એમ મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું છે. જગદંબા તલવાર સ્વદેશ લાવવાના પ્રયાસના ભાગરૃપે મહારાષ્ટ્રના એક વરિષ્ઠ પ્રધાન લંડન પણ જઈ આવ્યા છે. છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકને આવતા વર્ષે સાડાત્રણસો વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોવાથી માર્ચ 2024 સુધીમાં વાઘનખને બ્રિટનથી ભારત લાવવામાં આવશે.
આ માટે લંડન ખાતેના વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમ સાથે સામંજરય કરાર કરીને બુધવારે મુંબઈ પાછા ફરેલા મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન સુધીર મુનગંટીવારે જણાવ્યું હતું કે, વાઘનખની જેમ જગદંબા તલવાર પણ પાછી મેળવવા પત્રવ્યવહાર ચાલુ છે. દરમિયાન લંડનમાં શિવાજી મહારાજની પ્રતિમા ઊભી કરવામાં આવે એવી ત્યાંના શિવભક્તોએ માગણી કરી હોવાનું તેમણે જણાવ્યું હતું. બ્રિટનની સંસદમાં ભારતીય મૂળના 16 સાંસદ છે તેમણે આ બાબતમાં સહયોગ આપવાની ખાતરી આપી છે, એમ તેમણે ઉમેર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500