Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તા.૧૨ મીએ રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં દાંડી ખાતે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી

  • March 11, 2021 

ભારતની આઝાદીના ૭પ વર્ષની ઉજવણીના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો તા.૧રમી માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રારંભ કરાવશે. જેના અનુલક્ષમાં રાજયના વિવિધ જિલ્લાઓમાં ૭૫ સ્થળોએ દેશભકિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત નવસારી જિલ્લામાં સવારે ૯.૩૦ કલાકે દાંડી પ્રાર્થના મંદિર ખાતે સહકાર, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વાહનવ્યવહાર રાજ્યમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાશે.

 

 

 

 

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી તા.૧રમી માર્ચે ૧૯૩૦ના યોજેલી દાંડીયાત્રાની સ્મૃતિને વર્તમાન સમયમાં ઊજાગર કરતાં ૮૧ પદયાત્રીઓની સાબરમતી આશ્રમથી દાંડી સુધીની ૩૮૬ કિ.મી.ની દાંડીયાત્રા યોજાશે. દેશની આઝાદી માટે બલિદાન આપનારા સ્વાતંત્ર્ય વીરો સાથોસાથ રાષ્ટ્રની પ્રગતિ-વિકાસમાં યોગદાન આપનારા વ્યક્તિત્વોના વારસાને તેમની સ્મૃતિ સાથે આગળ ધપાવવાના હેતુથી આ યાત્રા સાબરમતિથી દાંડી પરિભ્રમણ કરશે.

 

 

 

 

‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો મુખ્ય હેતુ દેશભરમાં ભાષા અને રાજ્યવાર જનજાગૃતિ અને આંદોલન પ્રેરાય, ભારતનો ભવ્ય અને ગૌરવપૂર્ણ ભૂતકાળ ઉજાગર થાય સાથે ભારતના વિકાસને દર્શાવવાનો છે. 

 

 

 

 

તા. ૧રમી માર્ચે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ભારતની પહોંચ વૈશ્વિક સ્તરે વધુ વ્યાપક કરવા અને જનભાગીદારીથી રાષ્ટ્રના વિકાસ માટે ‘શતાબ્દી સંકલ્પ ૨૦૪૭’ લેવડાવશે.આગામી એક વર્ષ દરમિયાન એક ભારત, શ્રેષ્ઠ ભારત, આત્મનિર્ભર ભારત, વિચાર, સિદ્ધિઓ અને ઉકેલ, ભારતનો સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસો, સ્વાતંત્ર્ય સેનાનીઓ, આઝાદી 2.0 જેવી થીમ પર રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરાશે. 

 

 

 

 

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ હેઠળ અમદાવાદ સત્યાગ્રહ આશ્રમથી દાંડી સુધી પ્રતીક દાંડીયાત્રા યોજાશે, આ યાત્રા દરમિયાન દરેક મથકે કૂચ કરનારાઓનું પરંપરાગત સ્વાગત કરવામાં આવશે. આઝાદીના લડવૈયાઓને શ્રદ્ધાંજલી કાર્યક્રમ, દેશભક્તિ ગીત અને ભજન કાર્યક્રમો, નાટય પ્રસ્તુતિઓ અને જાણીતા વકતાઓ દ્વારા વેબિનાર તથા લેકચર સિરીઝનું પણ આયોજન થશે.  નવસારી જિલ્લામાં કોળી સમાજની વાડી, ઍ.પી.ઍમ.સી.ની સામે, ચીખલી ખાતે ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાશે તથા મતિયા પાટીદારની વાડી, સબજેલની પાછળ નવસારી ખાતે ધારાસભ્યશ્રી પિયુષભાઇ દેસાઇની અધ્યક્ષસ્થાને યોજાશે તેમજ  સંસ્કારભારતી સ્કુલ, નવસારી ખાતે નાયબ મુખ્ય દંડકશ્રી આર.સી.પટેલની અધ્યક્ષતામાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમ યોજાશે. પ્રધાનમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાનારા સાબરમતી આશ્રમના કાર્યક્રમનું વર્ચ્યુઅલ પ્રસારણ ચારેય સ્થળના કાર્યક્રમોમાં કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application