Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો : ૧ કરોડ ૧૮ લાખ જેટલા કોમ્યુનિટી ફંડનું વિતરણ કરાયું

  • May 21, 2022 

“આઝાદી કા અમૃત મહોત્સવ'' અંતર્ગત દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વ-સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન કલેક્ટર એચ.કે. વઢવાણિયાના અધ્યક્ષસ્થાને તથા જીલ્લા વિકાસ અધિકારી સહિત મહાનુભાવોની ઉપસ્થિતીમાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ, વ્યારા ખાતે કરવામાં આવ્યું હતું. અધ્યક્ષસ્થાનેથી કલેકટરએ બહેનોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લાના ઘણી સખી મંડળની બહેનો ખુબ જ પ્રેરણાદાયી કામગીરી રહી છે આ સહાયનો ઉપયોગ પોતે આત્મનિર્ભર બનવા અને પોતાના સમાજને આત્મનિર્ભર બનાવવાની જરૂર છે.



જિલ્લામાં ૯૯૦૪ સખી મંડળો નોંધાયા છે જેમાંથી ૬૩૨૫ મંડળો એક્ટીવ છે. જે ઓર્ગેનિક ખેતી, પાપડ ઉદ્યોગ, મસાલા, મંડપ, ખુરશી,કેન્ટીન, વગેરે જેવા નાન મોટા ઉદ્યોગો સાથે સંકળાય આર્થીક ઉપાર્જન કરી રહી છે. તાપી જિલ્લાની ઇનએક્ટીવ સખી મંડળો એકટીવ બની વિવિધ કામોમા સંકળાય અને તાપી જિલ્લામાં વિવિધ ઉદ્યોગો દ્વારા જિલ્લાના પૈસા જિલ્લામાં મહત્તમ ઉપયોગમાં આવે એ દિશામાં કામ કરવાની જરૂર છે.



હાલ લોકો આરોગ્ય પ્રત્યે વધુ સજાગ થયા છે જેના પગલે પ્રાકૃતિક ખેતીના પાકને વધુ સારૂ માર્કેટ મળી રહ્યુ છે. જો સખી મંડળની બહેનો પોતાના ક્ષેત્રના પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોના પાક ખરીદી તેની બ્રાન્ડીંગ કરી વેચે તો ખેડૂતો અને સખી મંડળ બંને સારી આવક મેળવી શકે છે. તેમણે બહેનોને મળેલી સહાયનો ઉપયોગ સુવ્યવસ્થિત રીતે કરવા અને આવકના મુખ્ય પ્રવાહમાં જોડાવા ખાસ આગ્રહ કર્યો હતો.



આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારીએ વિવિધ સખી મંડળની બહેનો જે તાપી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં નામના મેળવી રહી છે તેનું ઉદાહરણ આપી જણાવ્યું હતું કે, ડોલવણના ધામણ દેવીની જય અંબે સખી મંડળની બહેનો ટ્રેકટર શીખી છે, બોરખડીની બહેનો નારીયેળના છાલમાંથી ગણપતીની મુર્તીઓ બનાવી ૨૦૦થી વધુ મુર્તીઓનું વેચાણ કર્યું છે, ચીખલીના અંજનાબેન ગામીત મશરૂમની ખેતી દ્વારા આત્મનિર્ભર બન્યા છે.



તાપી જિલ્લામાં એક સખી મંડળ સીમેન્ટના વિક્રેત બન્યા છે તો એક ડીજે શરૂ કર્યું. આમ જિલ્લાના અનેક બહેનોએ મીશન મંગલમ યોજના ઉપર વિશ્વાસ રાખી આ યોજના સાથે જોડાવું લાભકારક બન્યું છે. આ યોજના થકી અત્યાર સુધી ૯૨૦૬ સ્વ-સહાય જુથોને ૭ કરોડ ૨૧ લાખ રૂપિયાનું રિવોલ્વીંગ ફંડ આપવામાં આવ્યું છે. તથા કુલ ૪૭૯ ગ્રામ સંઘઠનોની (VO) રચના કરવામાં આવી છે. તે પૈકી આજદિન સુધી ૩૫૦ ગ્રામ સંઘઠનોની (VO) ને ૧૩ કરોડ ૪૫ લાખ રૂપિયાનું કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ આપવામાં આવ્યુ છે.



આ ફંડ દ્વારા તાપી જિલ્લાની મહિલાઓને આર્થીક રીતે સધ્ધર કરવાનો સરાહનિય પ્રયાસ તાપી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે ખાસ કરીને બહેનોને ક્વોન્ટીટી ઉપર નહી પરંતું ક્વોલીટી ઉપર ધ્યાન રાખી પશુપાલન અને વ્યવસાય કરવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડનો ઉપયોગ કરીને ૫૦ જેટલા કડકનાથ મરઘા ઉછેર યુનિટ, ૧૨ જેટલા મશરૂમ ઉત્પાદનના યુનિટ, ૩ રાઇસ મીલ, રર મસાલા ઉત્પાદનના યુનીટ, ૧૧ બી.સી.પોઇન્ટ યુનિટ અને ૩ પાપડ ઉત્પાદન યુનિટ શરૂ કરવામાં આવ્યા છે.



ચાલુ વર્ષમાં કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડમાંથી કસ્ટમ હાયરીંગ સેન્ટર, ડીઝલ પંપ સેટ, કેટરીંગ સેટ, મંડપ ડેકોરેશન, તેલની ધાણી, શેરડીના રસનું મશીન, ચાફ કટર, ગાય અને ભેંસ, ઢોકળા મશીન, પાવર ટીલર, પાવર થ્રેશર, ઇલેક્ટ્રીક ટેમ્પો અને ઇ-રિક્ષા, પેલેટ મશીન,વિવાહ વન પોઇન્ટ સોલ્યુશન, ડી.જે. સાઉન્ડ, ફોટો સ્ટુડિયો, ફ્લાવર શોપ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે એમ ઉમેર્યુ હતું.



આ પ્રસંગે પદ્મશ્રી રમીલાબેન ગામીતે પોતાના સમાજસેવક તરીકેના અનુભવોને વર્ણવતા જણાવ્યું હતું કે, મે સૌથી પહેલા મીશન મંગલમમાં સખી મંડળની બહેન તરીકે કામગીરી શરૂકરી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ કડીયા કામ, શૌચાલય બાંધકામ, આંગણવાડીને લગતા કામો, બ્યુટીપાર્લર અને સીવણ જેવા કામો થકી અનેક મહિલાઓને સખી મંડળ સાથે જોડી તેઓને આર્થીક રીતે પગભર બનાવ્યા છે.



તેમણે સૌ બહેનોને પોતાનું ઉદાહરણ આપી સખીમંડળમાં જોડાવા અને નાના મોટા વ્યવસાય દ્વારા આજીવિકા મેળવવા આગ્રહ કર્યો હતો.  કાર્યક્રમમાં બેંક સખી તરીકે સફળતા પુર્વક કામગીરી કરતા નિર્મળાબેન ગામીત તથા દક્ષાબેન ચૌધરીએ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત બેંક સખી તરીકેના પોતાના અનુભવો બહેનોને જણાવી સૌ બહેનોને બીસી સખી તરીકે જોડાવા આગ્રહ કર્યો હતો. ઉચ્છલ તાલુકા પંચાયત પ્રમુખ પ્રાસંગિક ઉદ્વબોધન કરતા જિલ્લા વહિવટી તંત્રની કામગીરીને બીરદાવી તમામ બહેનોને મીશન મંગલમ યોજનામાં જોડાવા આહવાન કર્યુ હતું.



આ પ્રસંગે તાપી જિલ્લાની ૨૩ સખી મંડળની બહેનોને રાષ્ટ્રીય આજીવિકા મિશન હેઠળ ૨૩ જુથોને કુલ-૧,૧૮,૬૦,૦૦૦/-નું રીવોલ્વીંગ અને કોમ્યનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડનું વિતરણ તથા બીસી સખી તરીકે જોડાઇ ઉચ્ચ કક્ષાની કામગીરી કરતી બહેનોને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application