દેશમાં સતત ફ્લાઈટમાં બોમ્બ હોવાની ખોટી ધમકીઓ વચ્ચે એર ઈન્ડિયાની ફ્લાઈટમાંથી કારતુસ મળી આવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એર ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે આ કારતૂસ દુબઈથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટની સીટના પોકેટમાંથી મળી આવી હતી. જોકે આ કારતુસ ફ્લાઈટ સુધી કેવી રીતે પહોંચ્યો તે અંગે હજુ સુધી કોઈ જાણકારી નથી મળી. એર ઈન્ડિયા દ્વારા આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે તપાસ શરૂ કરી હતી. એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, ગત 27 ઓક્ટોબર, 2024નાં રોજ દુબઈથી દિલ્હી આવ્યા બાદ ફ્લાઈટ AI 916ની સીટના પોકેટમાંથી એક કારતૂસ મળી આવી હતી. જોકે કોઈપણ મુસાફરને કોઈ નુકસાન થયું ન હતું અને તમામ મુસાફરોને લેન્ડિંગ બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
એર ઈન્ડિયા દ્વારા નિર્ધારિત સુરક્ષા પ્રોટોકોલને સખત રીતે પાલન કરતાં તરત જ એરપોર્ટ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ઉપરાંત IGI એરપોર્ટ પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. હાલમાં આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને જેમ જેમ તપાસ આગળ વધશે તેમ વધુ માહિતી શેર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 26 ઓક્ટોબર પહેલા 13 દિવસમાં ઈન્ડિયન એરલાઈન્સની 300થી વધુ ફ્લાઈટને બોમ્બની ધમકીની ખોટી માહિતી મળી હતી.
જેમાં મોટાભાગની ધમકીઓ સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી હતી. અને 22 ઓક્ટોબરે, ઇન્ડિગો અને એર ઇન્ડિયાની 13 ફ્લાઇટ્સ સહિત લગભગ 50 ફ્લાઇટ્સને ધમકીઓ મળી હતી. એક અધિકારીએ શુક્રવારે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતુ કે, આ સંદર્ભે કથિત રીતે સામેલ એક 35 વર્ષીય યુવક નાગપુર પોલીસ સમક્ષ હાજર થયા બાદ ધરપકડ કરવામાં આવી છે. પૂર્વી મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાના અર્જુની મોરગાંવના નિવાસી જગદીશ શ્રીમ ઉઇકેએ જણાવ્યું હતું કે, શહેર પોલીસે તપાસ માટે તેમની હાજરી માટે નોટિસ મોકલી હતી, ત્યારબાદ તેઓ પ્લેન દ્વારા નાગપુર પહોંચ્યા અને ગુરુવારે સાંજે આત્મસમર્પણ કર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500