ગુજરાત સરકાર દ્વારા ધોરણ-૯ થી ૧૨નાં વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે અને યોગ્ય કારકિર્દીની પસંદગી કરી શકે તે હેતુથી માન.મંત્રી શિક્ષણની પ્રેરણાથી ધોરણ-૯ થી ૧૨નાં વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપવા અંગેના કાર્યક્રમો તમામ જિલ્લા અને તાલુકા ખાતે કરવાનું આયોજન છે. તાપી જિલ્લામાં આ કાર્યક્રમ અન્વયે ઉચ્ચ અધિકારીઓ સાથે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાની ઉપસ્થિતીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું.
બેઠકમાં નક્કી થયાનુસાર જિલ્લા કક્ષાનો અને વ્યારા તાલુકાનો કાર્યક્રમ આગામી તારીખ ૩૦-૦૫-૨૦૨૨ના રોજ કે.કે.કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે તેમજ તા.૧/૬/૨૦૨૨ થી ૬/૬/૨૦૨૨ તાલુકા કક્ષાનો “કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ” સવારે ૧૦:૦૦ વાગ્યાથી ૧૧:૫૦ સુધી ઓફલાઈન અને ઓનલાઈન મોડથી યોજાશે.
વાલોડ તાલુકાનો કાર્યક્રમ તા.૦૧-૦૬-૨૦૨૨ના રોજ સ.ગો.વાલોડ ખાતે, ડોલવણ તાલુકાનો તા.૦૨-૦૬-૨૦૨૨ના રોજ વિવિધલક્ષી વિદ્યાલય, ડોલવણ ખાતે, સોનગઢનો કાર્યક્રમ જાગૃતિ વિદ્યાલય માડળ ખાતે તા.૦૩-૦૬-૨૦૨૨, ઉચ્છલ તાલુકાનો કાર્યક્રમ તા.૦૪-૦૬-૨૦૨૨ના રોજ સાર્વજનિક હાઇસ્કુલ ઉચ્છલ ખાતે તથા નિઝર અને કુકરમુંડાનો સંયુક્ત કાર્યક્રમ તા.૦૬-૦૬-૨૦૨૨ના રોજ આર.જી.પટેલ, સ્કુલ, નિઝર ખાતે યોજાશે.
આ કાર્યક્રમાં ધોરણ-૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ અને વાલીઓને જિલ્લા તજજ્ઞો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં નિયામક રોજગાર અને તાલીમની કચેરી, ટેકનિકલ શિક્ષણની કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, કૃષિ નએ પશુ પાલન સહિત વિવિધ વિભાગના તજજ્ઞો વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે પરસ્પર વાતચીત કરી માર્ગદર્શન આપશે. આ સાથે રાજ્યકક્ષાનો કાર્યક્રમ બાયસેગ અને ડી.ડી ફ્રી ડીશ ડી.ટી.એચ સર્વિસ ચેનલ ઉપર સવારે ૧૦ થી ૧૧.૫૦ વાગ્યા સુધી જોઇ શકાશે.
કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને કારકિર્દી સંબંધિત સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા અને તાલુકા કક્ષાએ કાર્યક્રમોમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોગ્ય માર્ગદર્શન મેળવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરી, કાર્યક્રમનું સુદ્રઢ આયોજન કરવા જિલ્લા કલેક્ટર દ્વારા સંબંધિત અધિકારીઓને કેટલાક રચનાત્મક સુચનો કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500