Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચોમાસાની ઋતુમાં વીજળી પડવાથી જાનહાનિનાં બનાવોને અટકાવવા આટલી કાળજી અવશ્ય રાખો...વાંચો વધુ વિગત

  • July 01, 2022 

હાલમાં ચોમાસાની ઋતુમાં વીજળી પડવાને કારણે માનવ-પશુ મૃત્યુની ઘટનાઓ સામે આવી છે, ત્યારે તકેદારીના ભાગરૂપે આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવાના પગલાઓ લેવા જરૂરી છે. વીજળીથી બચવા માટે વિવધ પગલાં લેવા જિલ્લા વહીવટીતંત્રની માર્ગદર્શિકા મુજબ જ્યારે ઘરની અંદર હોવ ત્યારે વીજળીથી ચાલતા ઉપકરણોથી દૂર રહેવું, તારથી ચાલતા ફોનનો ઉપયોગ ન કરવો, બારી-બારણા અને છતથી દૂર રહેવું, વીજળીના વાહક બને તેવી કોઈપણ ચીજવસ્તુથી, ધાતુથી બનેલા પાઈપ, નળ, ફુવારો, વોશબેસીન વગેરેના સંપર્કથી દૂર રહેવું.




ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષે છે. જેથી આકાશીય વીજળી સમયે જો ઘરની બહાર હોવ ત્યારે જેથી તેનો આશરો લેવાનું તથા પશુઓને ઊંચા વૃક્ષો નીચે બાંધવાનું ટાળવું. આસપાસની ઊંચી બિલ્ડીંગો નીચે આશરો લેવાનું ટાળવું. ટોળામાં રહેવાને બદલે છૂટાછવાયા વિખરાઈ જવું, મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય, આથી મજબૂત છતવાળા મકાનમાં આશ્રય મેળવવો. મુસાફરી કરતા હોવ તો વાહનમાં જ રહેવું. મજબૂત છતવાળા વાહનમાં રહેવું. પાણી વીજળીને આકર્ષે છે, તેથી પુલ, તળાવો અને જળાશયોથી દૂર રહેવું, પાણીમાં હોવ તો બહાર આવવું. ધાતુની વસ્તુઓ જેવી કે બાઈક, ઈલેક્ટ્રીક કે ટેલિફોનના થાંભલા, તારની વાડ, મશીનરી વગેરેથી દૂર રહેવું.






વિજળી પડવાની શકયતા હોય ત્યારે માથાના વાળ ઉભા થઈ જાય, ચામડીમાં ઝણઝણાટ થાય ત્યારે તાત્કાલિક નીચા નમીને કાન ઢાંકવા, કારણ કે આસપાસ વીજળી ત્રાટકવા ઉપર છે તેમ સમજવું અને જમીન પર સૂવું નહીં અથવા જમીન પર હાથ ટેકવવા નહીં. આકાશી વિજળી થતી હોય ત્યારે વીજળીની સલામતી માર્ગદર્શિકા એ ૩૦-૩૦નો નિયમ છે.




વીજળી જોયા પછી ૩૦ની ગણતરી શરૂ કરવી, ૩૦ની પહોંચતા પહેલા ગાજવીજ સંભળાય તો ઘરની અંદર જવું, ગર્જનાના છેલ્લા તાળા પછી ઓછામાં ઓછા ૩૦ મિનિટ પ્રવૃત્તિઓ સ્થગિત કરવી, ઈલેક્ટ્રીક વીજ ઉપકરણોને નુકસાન ન થાય તે માટે હંમેશા કામની સ્થિતિમાં અર્થિંગ રાખવું, વણવપરાતા પ્લગ પ્લાસ્ટીક કવરથી ઢાંકી દેવા, ઈલેકટ્રીકના ઉપકરણોને પાણીની લાઈન તથા ભેજથી દૂર રાખવા, વિજળીના વાહકો વડે ઘરને આકાશી વિજળીથી સુરક્ષિત બનાવવું, તંત્રની સૂચના મુજબ સુરક્ષિત સ્થળે જતા રહેવું.





ઈલેકટ્રીક કામના જાણકાર પાસે જ ઈલેકટ્રીક કામ કરાવવું, ઈલેકટ્રીક કામ કરતી વખતે વિજળીના અવાહક વસ્તુ ઉપર ઉભા રહેવું, ભયાનક આકાશી વિજળી થતી હોય ત્યારે સુરક્ષિત મકાનમાં જતા રહેવું, ભયાનક વિજળીના સંજોગોમાં ઝાડ નીચે ઉભા ન રહેવું, તમામ ઈલેકટ્રીક ઉપકરણોના પ્લગ કાઢી લેવા. ફિશીંગ રોડ કે છત્રીને પકડવાનું ટાળવું, ઈલેકટ્રીક થાંભલા/ટેલિફોન થાંભલાને અડકવું નહી.




આ ઉપરાંત વીજળી/ઈલેકટ્રીકથી શોક લાગ્યા પછી લાકડા જેવી અવાહક વસ્તુ વડે શોક લાગનાર વ્યકિતને વીજપ્રવાહથી દૂર ખસેડવો. મેઈન સ્વીચ બંધ કરીને વીજપ્રવાહ બંધ કરવો, કરંટ લાગનાર વ્યક્તિ દાઝી જાય તો ઠંડું પાણી રેડવું, દાઝેલા ભાગ ઉપર ચોંટી ગયેલ કપડાંને ઉખેડવા નહી. વ્યક્તિના શ્વાસોચ્છવાસ તપાસી સીધા ડોકટરને જાણ કરવી, આકાશીય વીજળીનો ઝટકો લાગે ત્યારે વ્યક્તિને જરૂર જણાય તો સીપીઆર એટલે કે કૃત્રિમ શ્વાસોચ્છવાસ અથવા તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી હિતાવહ છે. ત્યારે આ અંગે લોકોમાં જાગૃતિ પ્રસરે અને લોકોનું જીવન સુરક્ષિત બને તે માટે ઉપરોક્ત તકેદારીના પગલાને અનુસરવા ડિઝાસ્ટર મામલતદારની યાદીમાં જણાવાયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application