ડાંગ જિલ્લામા વેક્સીન લેવા બાબતે પ્રવર્તતી કેટલીક ગેર માન્યતાઓ, અફવાઓ, અંધશ્રદ્ધાઓ વિગેરે સામે તેમને સાચી સમજ અને માર્ગદર્શન મળી રહે, અને તેઓ વેક્સીન બાબતે પ્રોત્સાહિત થઇ શકે, અને અહી સો ટકા વેક્સીનેસન થાય તે માટે રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રી ગણપતસિંહ વસાવા કે જેમને સરકારે 'કોરોના' સંદર્ભે ડાંગ જિલ્લાની વિશેષ જવાબદારી સોંપી છે, તેમના સહીત ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી રમણલાલ પાટકર પણ વિશેષ લક્ષ કેન્દ્રિત કરીને જિલ્લા વહીવટી તંત્રને માર્ગદર્શિત કરી રહ્યા છે.
જિલ્લા કલેકટર ભાવિન પંડયા એ પણ ગત તા.૨૦ મે ૨૦૨૧ થી જિલ્લામા વિશેષ 'વેક્સીનેસન ડ્રાઈવ' હાથ ધરીને આ કામગીરીને ઝડપી બનાવી છે. આ માટે જિલ્લાના દસે દસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને વેક્સીનેસનની કામગીરીમા મદદરૂપ થવા માટે જિલ્લા કક્ષાના ચુનંદા અધિકારીઓને 'નોડલ ઓફિસરો' તરીકે નિયુક્ત પણ કરાયા છે. જેમના દ્વારા સંબંધિત પી.એચ.સી.ના કાર્યક્ષેત્રના ગામોમા 'ઓટલા પરિષદ' અને 'ચર્ચા સભાઓ' યોજી સ્થાનિક જન પ્રતિનિધિઓની ભાગીદારીતા વધારવાના પ્રયાસો હાથ ધરાયા છે.
આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લામા કાર્યરત 'આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત)' તથા મહિલા મંચ, અને વર્લ્ડ વિઝન જેવી સામાજિક સંસ્થાઓના સહયોગથી 'મારુ ગામ, કોરોના મુક્ત ગામ' અભિયાન અંતર્ગત ગત તા.૨૦ મે થી ૩ જુન ૨૦૨૧ સુધી ડાંગ જિલ્લાના ૩૦૯ ગામોમા 'કોરોના જનજાગૃતિ રથ' ફેરવીને વ્યાપક જનજાગૃતિ કેળવવામા આવી છે. આ રથના માધ્યમથી ટેસ્ટીંગ અને વેક્સીન બાબતે ગ્રામીણજનોને સાચી સમજ પૂરી પાડવામા આવી છે.
સાથે સાથે સોશિયલ ડીસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને સ્થાનિક ડાંગી બોલીમા વેક્સીન બાબતે જાગૃતિ સંદેશાઓનો પણ વ્યાપક પ્રચાર પ્રસાર કરવામા આવી રહ્યો છે.
તો બીજી તરફ જિલ્લામા કામ કરતા ખાનગી દવાખાનાઓ, પરંપરાગત આયુર્વેદિક જડીબુટ્ટીઓનુ જ્ઞાન ધરાવતા વૈધરાજો વિગેરે પાસે નાની મોટી બીમારીઓના ઈલાજ માટે આવતા ગ્રામજનોને વેક્સીન બાબતે ખાસ પ્રોત્સાહિત કરવામા આવી રહ્યા છે. સાથે જુદા જુદા ધર્મ, સંપ્રદાયો, વિવિધ ધાર્મિક સંગઠનો, ગુરુજનો વિગેરે દ્વારા પણ તેમના અનુયાયીઓને વેક્સીન બાબતે વિશેષ પ્રોત્સાહન પૂરુ પાડવામા આવી રહ્યુ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500