ખેડૂતોને ખુશ કરવા માટે સરકારે ચાલુ વર્ષે એક ક્વિન્ટલ ડાંગરના ટેકાનો ભાવ ૧૪૩ રૂપિયા વધારીને ૨૧૮૩ રૂપિયા કરવાની જાહેરાત કરી છે. ટેકાના ભાવનો આ વધારો છેલ્લા દાયકાનો બીજો સૌથી મોટો વધારો છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૮-૧૯માં એક ક્વિન્ટલ ડાંગરના ટેકાના ભાવમાં ૨૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૩-૨૪નાં ખરીફ પાકો માટે ટેકાના ભાવમાં ૫.૩ ટકાથી લઇને ૧૦.૩૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રૂપિયાની દ્રષ્ટિએ જોઇએ તો ટેકાના ભાવમાં ક્વિન્ટલ દીઠ ૧૨૮ રૂપિયાથી લઇને ૮૦૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ (સીસીઇએ)ની બેઠકમાં ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી હતી. બેઠકના અંતે લેવાયેલા નિર્ણયોની વધુ માહિતી આપતા ખાદ્ય પ્રધાન પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે, રીટેલ ફુગાવો ઘટી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવ વધારવામાં આવતા ખેડૂતોને ફાયદો થશે. ડાંગરના ટેકાના ભાવમાં સાત ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જુવાર (હાઇબ્રિડ) અને જુવાર (માલદાંડી)ના ટેકાના ભાવ વધારીને અનુક્રમે ૩૧૮૦ રૂપિયા અને ૩૨૨૫ રૂપિયા કરવામાં આવ્યો છે.
જે ૨૦૨૨-૨૩ની સરખામણીમાં અનુક્રમે ૭ અને ૭.૮૫ ટકા વધારે છે. એક ક્વિન્ટલ મકાઇનો ટેકાનો ભાવ ૬.૫ ટકા વધારી ૨૦૯૦ રૂપિયા કરવામાં આવ્યો છે. એક ક્વિન્ટલ રાગીનો ટેકાનો ભાવ ૭.૪૯ ટકા વધારી ૩૮૪૬ રૂપિયા કરવામાં આવ્યો છે. એક ક્વિન્ટલ મગના ટેકાનો ભાવ ૧૦.૩૫ ટકા વધારી ૮૫૫૮ રૂપિયા કરવામાં આવ્યો છે. એક ક્વિન્ટલ તુવેરનો ટેકાનો ભાવ ૬.૦૬ ટકા વધારી ૭૦૦૦ રૂપિયા કરવામાં આવ્યો છે. એક ક્વિન્ટલ અડદના ટેકાનો ભાવ ૫.૩ ટકા વધારી ૬૯૫૦ રૂપિયા કરવામાં આવ્યો છે. કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલ અન્ય એક મહત્ત્વપૂર્ણ નિર્ણય હેઠળ બીએસએનએલને ફોરજી અને ફાઇવજી સ્પેક્ટ્રમની ફાળવણી માટે ૮૯,૦૪૭ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કોલસા અને લિગ્નાઇટને શોધવા માટેની સ્કીમ માટે ૨૯૮૦ કરોડ રૂપિયા ફાળવવાને મંજૂરી આપવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500