Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડાપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ઉત્તરાખંડમાં બે રોપવેને મંજૂરી આપી

  • March 06, 2025 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ઉત્તરાખંડમાં બે રોપવેને મંજૂરી આપી છે. જેમાં સોનપ્રયાગથી કેદારનાથ સુધી ૧૨.૯ કિમી લાંબા રોપવે પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે જેની પાછળ આશરે આશરે ચાર હજાર કરોડનો ખર્ચ થઇ શકે છે. આ રોપવે ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓપરેટ અને ટ્રાંસફર (ડીબીએફઓટી) મોડલ પર તૈયાર કરવામાં આવશે. જેમાં દરરોજ આશરે ૧૮ હજાર જેટલા શ્રદ્ધાળુઓને લાવવા લઇ જવાની ક્ષમતા હશે. જ્યારે અન્ય એક રોપવે પ્રોજેક્ટ ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબજી સુધી શરૂ કરાશે. આ બન્ને રોપવે પાછળ આશરે ૬૮૧૧ કરોડ રૂપિયાનો ખર્ચો થશે. આ રોપવે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ સ્થાપિત કરાશે, જેમાં સૌથી એડવાંસ ટ્રાઇ-કેબલ ડિટેચેબલ ગોંડોલા (૩એસ) ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે. પ્રતિ કલાક આશરે ૧૮૦૦ મુસાફરોને લઇ જવાની ક્ષમતા હશે જેથી પ્રતિ દિવસ ૧૮ હજાર યાત્રાળુઓ તેનો લાભ લઇ શકશે.


આ રોપવે યોજના કેદારનાથ આવનારા શ્રદ્ધાળુઓ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કેમ કે રોપવેને કારણે ઝડપથી પહોંચી શકાશે, રોડ પર ભુસ્ખલન કે અકસ્માતોનો સામનો કરવો પડી રહ્યો છે જેનાથી છૂટકારો મળી જશે. એટલુ જ નહીં આ રોપવેને કારણે પર્યટન ક્ષેત્રે પણ સરકારને ફાયદો થશે. મુસાફરોને અગાઉ કેદારનાથ પહોંચવામાં આઠથી નવ કલાકનો સમય લાગતો હતો જે હવે ઘટીને ૩૬ મિનિટ થઇ જશે. પર્વતમાળા પરિયોજના હેઠળ આ પ્રોજેક્ટને પૂર્ણ થવામાં આશરે ચારથી છ વર્ષનો સમય લાગી શકે છે. બીજો રોપવે ગોવિંદઘાટથી હેમકુંડ સુધી શરૂ કરાશે. જેનું અંતર આશરે ૧.૮૫ કિમીનું રહેશે, અને દરરોજ આશરે ૧૧૦૦૦ મુસાફરોને તેનો લાભ મળશે. ગયા વર્ષે ૧.૭૭ લાખ યાત્રાળુઓએ હેમકુંડની મુલાકાત લીધી હતી.


આ બન્ને રોપવે ઉત્તરાખંડમાં શરૂ થવાના હોવાથી સ્થાનિક સ્તરે રોજગારીની તકો વધી શકે છે તેમ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું. નોંધનીય છે કે કેદારનાથ મંદિર સુધીની મુસાફરી ગૌરીકુંડથી ૧૬ કિમીની સફર બહુ જ પડકારજનક માનવામાં આવે છે. હાલમાં આ મુસાફરી પગપાળા અથવા તો પાલખી વગેરેની મદદથી કે પછી હેલિકોપ્ટરની મદદથી પાર પાડવામાં આવે છે જેમાં યાત્રાળુઓએ બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.  એવામાં ઋતુ અનુકુળ ના હોય તો આ યાત્રા કરવી મુશ્કેલ થઇ જાય છે. જો રોપવેની સુવિધા મળી રહેશે તો તે તમામ ઋતુમાં યાત્રાળુઓને યાત્રાધામ સુધી પહોંચવામાં મદદરૂપ થશે. ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગોમાં કેદારનાથનો પણ સમાવેશ થાય છે. જે ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં ૩૫૮૩ મીટર આશરે ૧૧૯૬૮ ફૂટ પહાડી પર છે. એપ્રીલ-મે અને ઓક્ટોબર-નવેમ્બરમાં આશરે છથી સાત મહિના યાત્રાળુઓ માટે આ મંદિર ખુલ્લુ રહે છે. જે સમય દરમિયાન વર્ષે આશરે ૨૦ લાખ યાત્રાળુઓ તેનો લાભ લે છે. આટલી મોટી સંખ્યામાં યાત્રાળુઓ પહોંચી રહ્યા હોવાથી તેને ધ્યાનમાં રાખીને આ રોપવે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. રોપવે શરૂ થયા બાદ યાત્રાળુની સંખ્યા ૩૬ લાખે પહોંચી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application