દેશના 75માં સ્વતંત્રતા પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરવામાં આવી છે. જૂનાગઢમાં બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે મુખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાયુદળના હેલિકોપ્ટર માંથી પુષ્પવર્ષા કરાઇ હતી. આ પ્રસંગે સંબોધિત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીવ ફોર ધ નેશન, નેશન ફર્સ્ટનું સૂત્ર આપ્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ આપી હતી. આ પ્રસંગે પોલીસ દ્વારા લેજીમ નૃત્ય, ડોગ શો, ડ્રોનનું ડ્રેમોસ્ટ્રેશન, શોર્યગીતો સહિતના સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા સાથે સ્વાતંત્ર્ય સેનાનીનું સન્માન કરવામાં આવ્યું હતું.
વિજય રૂપાણીએ જણાવ્યું કે, મા ભારતીની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા ક્રાંતિકારીઓ અને સ્વતંત્રતા સેનાનીઓને વંદન, જેના આપણે હંમેશા ઋણી રહેશું, તેમને રાજ્યના વિકાસ માટેના સંકલ્પને દોહરાવતા કહ્યું કે, સશક્ત, સમૃદ્ધ તથા આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પુરી નિષ્ઠા તથા લગનથી કાર્ય કરીશું.
સીએમ રૂપાણીએ જણાવ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ઉજ્જવલા યોજનાના બીજા તબક્કામાં 5 લાખ ગેસ કનેક્શન ગરીબોને આપીશું. રાજ્યની નગરપાલિકાઓ સુવ્યવસ્થિત કામ કરે તે માટે તેને પ્રોત્સાહિત કરવા સ્ટાર રેન્કિંગ સિસ્ટમ અપનાવવામાં આવશે. રાજ્યનો ખેડૂતો ખેતરમાં ગોડાઉન બનાવે તો તેમાં 30ના બદલે 50 હજાર રૂપિયા સબસિડી આપવામાં આવશે.
કોરોના મહામારી અંગે સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, 2 વર્ષથી કોરોના સામે ગુજરાત પણ લડત ચલાવી રહ્યું છે. માસ્ક, પીપીઈ કીટ સહિતનું મેડિકલ સામગ્રીનું ઉત્પાદન કરી રહ્યું છે. કોરોનાની બીજી લહેરના અનુભવો આધારે ત્રીજી લહેરની તૈયારી કરી રહ્યા છીએ. ભગવાન કરે ને ત્રીજી લહેર ન આવે. વેક્સિનમાં 4 કરોડ ડોઝ આપી ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. જે કોરોના વોરિયર્સે જીવ ગુમાવ્યા છે તેમના માટે સંવેદના વ્યક્ત કરું છું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500