દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનનાં મૃત્યુ પ્રકરણે CBIની તપાસમાં મહત્વની માહિતી બહાર આવી છે. દારૂનાં નશામાં સંતુલન ગુમાવતા દિશા બિલ્ડિંગમાંથી નીચે પટકાતા માથામાં ગંભીર ઇજા થતા મૃત્યુ પામી હોવાનો CBIનાં રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. આ મામલે આત્મહત્યા, બળાત્કાર, હત્યાના ગંભીર આરોપ કરવામાં આવ્યા હતા બીજી તરફ દિશાના મોતને લઇને મહારાષ્ટ્રનાં રાજકારણમાં ચકચાર જાગી હતી. ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ શિવસેનાનાં નેતા આદિત્ય ઉદ્ધવ ઠાકરે પર ગંભીર આરોપ લગાવ્યા હતા. પરંતુ દિશાનું મૃત્યુ આકસ્મિક હોવાનું CBIનાં રિપોર્ટમાં સ્પષ્ટતા કરવામાં આવી છે.
આથી દિશાની આત્મહત્યા, બળાત્કાર, હત્યાના તમામ આરોપો ખોટા સાબિત થયા છે. 28 વર્ષીય દિશા મલાડમાં રહેતી હતી જૂન, 2020નાં મલાડમાં બિલ્ડિંગમાં 14માં માળેથી તે નીચે પડી ગઇ હતી આ બનાવના ગણતરીનાં દિવસમાં જ બોલીવૂડનાં પ્રખ્યાત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ તેના બાંદરાના ફલેટમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. દિશા અને સુશાંતે એકબીજા સાથે કામ કર્યું હતું. આથી બંનેનાં મોત એકબીજા સાથે સંબંધ ધરાવતા હોવાની ચર્ચા થઇ રહી હતી.
છેવટે તપાસ બાદ સુશાંતનું શંકાસ્પદ મોત તે આત્મહત્યા જ હતી અને સાલિયનનું મૃત્યુ અકસ્માત હતો તે પુરવાર થઇ ગયું છે. CBI દ્વારા ફોરેન્સિક ટેસ્ટ રિપોર્ટ, સાક્ષીદારનાં નિવેદન, સંપૂર્ણ ઘટનાક્રમ, તબીબી રિપોર્ટનો અહેવાલની તપાસ બાદ બંને ઘટના જુદી જુદી હોવાનું સામે આવ્યું છે. અગાઉ નારાયણ રાણેએ સનસનાટીભર્યા આરોપ લગાવ્યા હતા કે, આદિત્ય ઠાકરે દિશાની હત્યા કેસમાં સામેલ હતા. ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી હતા ત્યારે દિશાની હત્યા કરવામાં આવી હતી.
તેની સાથે દુષ્કૃત્ય કરી મારી નાખવામાં આવી હતી. આ કેસના આરોપીઓ કેમ પકડાયા નથી તે મંત્રી કોણ હતો ? તો કેમ બચી ગયો ? સચિન વાઝેને પોલીસ વિભાગમાં લાવીને મંત્રીને બચાવવામાં આવ્યો હોવાનો આરોપ પણ રાણેએ કર્યો હતો. ત્યારબાદ દિશાનાં માતા-પિતાએ રાણે વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ભારે વિવાદ બાદ આ કેસ CBIને સોંપવામાં આવ્યો હતો. હવે CBIએ કેસની તપાસ કરીને પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500