Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સીબીઆઈએ બિહારમાં નીટનું પેપર લીક કરનાર માસ્ટરમાઈન્ડ રાકેશ રંજન ઉર્ફે રોકીની ધરપકડ

  • July 12, 2024 

નીટ-યુજીમાં કથિત પેપર લીક, ગેરરીતિઓના પગલે પરીક્ષા રદ કરવા, પુનઃ પરીક્ષા યોજવા, આ સમગ્ર કૌભાંડની તપાસ તેમજ પરીક્ષા ફરીથી નહીં યોજવા માટે થયેલી અરજીઓ પરની સુનાવણી સુપ્રીમ કોર્ટે 18મી જુલાઈ પર મુલતવી રાખી છે. બીજીબાજુ સીબીઆઈએ બિહારમાં નીટનું પેપર લીક કરનારા માસ્ટરમાઈન્ડ રાકેશ રંજન ઉર્ફે રૉકીની ધરપકડ કરી લીધી છે. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 10 દિવસની કસ્ટડીમાં મોકલાયો છે. વધુમાં સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં બંધ કવરમાં તેનો રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં જણાવાયું છે કે પેપર લીકની ઘટના સ્થાનિક સ્તરે થઈ છે. સોશિયલ મીડિયા પર પેપર સર્ક્યુલેટ નથી થયું. સીબીઆઈએ બિહારમાં નીટ પેપર લીકના માસ્ટર માઈન્ડ રાકેશ રંજન ઉર્ફે રોકીની પટનાથી ધરપકડ કરી લીધી છે. તેને કોર્ટમાં રજૂ કરાતા 10 દિવસના રિમાન્ડ મળ્યા છે. પટના અને કોલકાતામાં દરોડા પાડતા સીબીઆઈને વાંધાજનક દસ્તાવેજો પણ મળ્યા છે.


સીબીઆઈએ પટના અને કોલકાતામાં દરોડા પાડવાનું ચાલુ રાખ્યું છે. આ સાથે સીબીઆઈએ બંધ કવરમાં તેનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો છે. સીબીઆઈએ જણાવ્યું છે કે, પેપર લીક સ્થાનિક સ્તરે થયું છે. નીટનું પેપર સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ થયું નથી. સીબીઆઈએ તેના રિપોર્ટમાં અત્યાર સુધીમાં નોંધાયેલા સાત કેસ અને તેની તપાસમાં થયેલી પ્રગતિની વિસ્તૃત માહિતી અપાઈ છે. દરમિયાન નીટ-યુજી 2024માં પેપરલીક મુદ્દે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડના અધ્યક્ષપદે ત્રણ ન્યાયાધીશોની બેન્ચે ટૂંકી સુનાવણી કરી હતી. આ સમયે બેન્ચે નોંધ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને અખિલ ભારતીય પરીક્ષાનું આયોજન કરનારી સંસ્થા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા દાખલ કરાયેલા સોગંદનામા કેટલાક પક્ષોને મળ્યા નથી. આથી બેન્ચે આ કેસની સુનાવણી 18મી જુલાઈ સુધી મુલતવી રાખી છે.


ન્યાયાધીશો જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાને સમાવતી બેન્ચ નીટ-પીજી રદ કરવાની માગ કરતી 30થી વધુ અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. બધા પક્ષોને કેન્દ્ર અને એનટીએનું સોગંદનામું નહીં મળ્યું હોવાના પગલે મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ આગામી સુનાવણી માટે નવી તારીખ લખાવતા હતા ત્યારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સોમવાર અને મંગળવારે પોતે ઉપલબ્ધ નહીં હોવાથી બુધવારે સુનાવણી માટે વિનંતી કરી હતી. આ સમયે વિદ્યાર્થીઓના એક જૂથના વકીલ જે નેદમપારાએ કહ્યું કે, તેઓ બુધવાર માટે સંમત છે. તેમના જવાબથી સીજેઆઈ ચંદ્રચૂડ ભડક્યા હતા અને તેમણે વકીલ નેદમપારાને કહ્યું, મિસ્ટર નેદમપારા, જજ તમે નથી, સૌભાગ્યથી જજ હું છું. તમે ચૂપ રહો.


ત્યાર પછી સીજેઆઈએ કહ્યું કે, બુધવારે રજા છે તેથી આ કેસની આગામી સુનાવણી 18 જુલાઈને ગુરુવારે થશે. દરમિયાન કેન્દ્ર સરકાર અને એનટીએએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે, મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ-યુજી 2024માં મોટાપાયે પેપર લીક કે ગેરરીતિઓ થઈ હોવાના કોઈ સંકેત મળ્યા નથી. વધુમાં સ્થાનિક ઉમેદવારોના કોઈ જૂથને લાભ મળ્યો હોવાનું પણ જણાયું નથી. કેન્દ્રે સોગંદનામામાં કહ્યું કે, નીટ-યુજી 2024ના પરીણામોના ડેટાનું વિશ્લેષણ આઈઆઈટી-મદ્રાસે કર્યું હતું અને નિષ્ણાતોના નિષ્કર્ષ મુજબ મોટાપાયે અનિયમિતતાના કોઈ સંકેત મળતા નથી.


એનટીએએ સુપ્રીમમાં અલગથી દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું કે તેણે રાષ્ટ્રીય, રાજ્ય, શહેર અને કેન્દ્ર સ્તરે નીટ-યુજી ૨૦૨૪માં માર્ક્સ વિતરણનું વિશ્લેષણ કરાવ્યું હતું, જે દર્શાવે છે કે તે એકદમ સામાન્ય છે અને અંકોના વિતરણમાં કોઈ બાહ્ય પરિબળ જોવા મળ્યું નથી. એનટીએના સોગંદનામામાં પ્રશ્નપત્રોના ગુપ્ત પ્રિન્ટિંગથી લઈને તેના વિતરણ માટે સ્થાપિત વ્યવસ્થાની માહિતી અપાઈ હતી. નીટ-યુજી પેપર લીક કેસની ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની હતી. આ સમયે મોટી સંખ્યામાં કોર્ટની બહાર અનેક વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો ન્યાયની આશામાં એકત્ર થયા હતા.


આ સમયે એક ઉમેદવારના પિતા હરિઓમ દુબે ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. તેમણે મીડિયાને આપેલી મુલાકાતમાં મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડને હાથ જોડીને વિનંતી કરી હતી કે, સીજેઆઈ સર, આ દેશને મુન્નાભાઈઓથી બચાવી લો. આપણી સ્વાસ્થ્ય વ્યવસ્થાને બચાવી લો.  ન્યાય મોડા મળે તો ન્યાય નથી રહી જતો. અમે લોકો ખૂબ જ ડિપ્રેશનમાં છીએ. અમે એકલા નથી. 23 લાખ પરિવારોના બાળકો હતાશ છે. અમને ન્યાય મળે કે ના મળે. પરંતુ આ દેશનું ભવિષ્ય જોખમમાં છે. મુન્નાભાઈઓને સિસ્ટમમાં જવા ના દો. તમે પ્રભુની જેમ આ વ્યવસ્થાને બચાવો. તમે જ આ કરી શકો છો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application