ICAI દ્વારા ગત નવેમ્બરમાં લેવાયેલી CA ફાઈનલ અને ઈન્ટરમીડિએટની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરી દેવાયું છે. જેમાં CA ફાઈનલનું સમગ્ર દેશનું 9.42 ટકા પરિણામ રહ્યુ છે. જ્યારે ઈન્ટરમીડિએટનું 9.73 ટકા પરિણામ રહ્યુ છે. ફાઈનલમાં અમદાવાદના 8 વિદ્યાર્થી દેશના ટોપ 50 ઓલ ઈન્ડિયા રેન્કમા સ્થાન મેળવ્યું છે. જ્યારે ઈન્ટરમીડિએટમાં એક વિદ્યાર્થી દેશમાં બીજા ક્રમે આવ્યો છે. ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા મે અને નવેમ્બર એમ વર્ષમાં બે વાર CA ફાઈનલ અને ઈન્ટરમીડિએટની પરીક્ષા લેવામા આવે છે.
ગત નવેમ્બર-2023ની CA ફાઈનલની પરીક્ષામાં સમગ્ર દેશમાંથી ગ્રુપ-1માં 65,294 વિદ્યાર્થીમાંથી 6176 પાસ થતા ગ્રુપ-1નું 9.46 ટકા અને ગ્રુપ-2માં 62,679 વિદ્યાર્થીમાંથી 13,540 પાસ થતા ગ્રુપ-2નું 21.60 ટકા તથા બંને ગ્રુપમાં 32,907 માંથી 3099 પાસ થતા ફાઈનલનું એકંદરે કુલ 9.42 ટકા પરિણામ રહ્યુ છે. ગત મે-2023નું 9.83 ટકા અને નવેમ્બર-2022નું 15.39 ટકા રિઝલ્ટ રહ્યુ હતું. ફાઈનલમાં જયપુરનો વિદ્યાર્થી દેશમાં પ્રથમ, મુંબઈનો વિદ્યાર્થી દેશમાં બીજા ક્રમે અને જયપુરનો વિદ્યાર્થી દેશમાં ત્રીજા ક્રમે રહ્યો છે.
CA ઈન્ટરમીડિએટની નવેમ્બર 2023ની પરીક્ષામાં સમગ્ર દેશમાં ગ્રુપ-1માં 1,17,304 વિદ્યાર્થીમાંથી 19,686 પાસ થતા ગ્રુપ-1નું 16.78 ટકા, ગ્રુપ-2માં 93,638 વિદ્યાર્થીમાંથી 17,957 પાસ થતા 19.18 ટકા અને બંને ગ્રુપમાં 53,459 વિદ્યાર્થીમાંથી 5204 પાસ થતા ઈન્ટરમીડિએટનું પરિણામ એકંદરે 9.73 ટકા રહ્યુ છે. ગત મે-2023ની પરીક્ષામાં બંને ગ્રુપનું 10.24 ટકા અને નવેમ્બર-2022માં 12.72 ટકા રિઝલ્ટ હતું. CA ફાઈનલમાં અમદાવાદ સેન્ટરમાં ગ્રુપ-1માં 922 માંથી 55 અને ગ્રુપ-2 માં 695માંથી 118 વિદ્યાર્થી પાસ થયા છે.
જ્યારે બોથ ગ્રુપમાં 869 માંથી 116 વિદ્યાર્થી પાસ થતા અમદાવાદ સેન્ટરનું ફાઈનલનું 13.35 ટકા પરિણામ રહ્યુ છે. જે મે-2023માં 9.83 અને નવેમ્બર-2022માં 15.39 ટકા હતુ. CA ફાઈનલમાં દેશના ટોપ 50 ઓલ ઈન્ડિયા રેન્કમાં અમદાવાદનો વિદ્યાર્થી ચિરાગ અસવા 9માં રેન્ક પર આવ્યો છે અને અમદાવાદના કુલ 7 વિદ્યાર્થી દેશના ટોપ 50માં સ્થાન મેળવ્યુ છે. ઈન્ટરમીડિએટ પરીક્ષામાં અમદાવાદ સેન્ટરમાંથી ગ્રુપ-1માં 1234માંથી 130 અને ગ્રુપ-2માં 1124 માંથી 333 વિદ્યાર્થી પાસ થયા છે. બંને ગ્રુપમાં 1928 વિદ્યાર્થીમાંથી 301 પાસ થતા અમદાવાદ સેન્ટરનું ઈન્ટરનું 15.61 ટકા પરિણામ રહ્યુ છે. મે-2023નું 10.75 અને નવેમ્બર-2022નું 20 ટકા પરિણામ રહ્યુ હતું. ઈન્ટરમીડિએટમાં અમદાવાદનો વિદ્યાર્થી તનય ભગેરિયા દેશના ટોપ-3 રેન્કમાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500