ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં રાજકારણ બરાબરનું ગરમાયું છે. હાલ તો જે જુવાળ છે એકતરફી છે. ભાજપ દરેક મોરચે કોંગ્રેસને મ્હાત આપી રહ્યું છે. આવામાં ગુજરાતમા વધુ એક ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે. લોકસભાની સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીના પણ ભણકારા વાગી રહ્યાં છે. ગુજરાતની ચાર ખાલી પડેલી વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. ત્યારે હવે તેમાં ઉમેદવાર કોણ તે માટે મંથન શરૂ થયું છે. લોકસભાની ચૂંટણી માર્ચના બીજા સપ્તાહમાં જાહેર થઈ શકે છે. હજી તો બંને પાર્ટીએ લોકસભા માટે ઉમેદવારોની પસંદગી પૂરી કરી નથી, ત્યાં હવે ગુજરાતમા પેટાચૂંટણીના બ્યૂગલ વાગી રહ્યાં છે. આમ, આ ચારેય બેઠક હાલ ખાલી છે. તેથી તેના પર પેટાચૂંટણી યોજાવાના પૂરતા યોગ સર્જાયા છે.
આ ઉપરાંત જો કોઈ ધારાસભ્યને લોકસભા માટે ટિકિટ ફાળવાય તો તે ખાલી પડેલી બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઈ શકે છે. પેટાચૂંટણી સંભવતઃ લોકસભાની સામાન્ય ચૂંટણી સાથે જ યોજાય એવું દસ વર્ષ બાદ ફરી બનવા જઈ રહ્યું છે. આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીનાં રાજીનામાંથી ખાલી પડેલી આ બેઠકની પેટા ચૂંટણી મોટેભાગે લોકસભાની સામાન્ય ચૂંટણીની સાથે જ ૨૦૨૪માં યોજાશે. ઈતિહાસ જોઈએ તો, પેટા ચૂંટણી કોંગ્રેસમાંથી લડી ધારાસભ્ય બનેલા હર્ષદ રીબડીયા વર્ષ ર૦૧૭માં પણ કોંગ્રેસમાંથી સામાન્ય ચૂંટણી લડીને વિજેતા બન્યા પરંતુ વર્ષ ર૦રરમાં વિધાનસભાની મુદ્દત પુર્ણ થાય તે પહેલા હર્ષદ રીબડીયાએ ધારાસભ્ય તરીકે રાજીનામું આપી કોંગ્રેસમાંથી ભાજપમાં ભળ્યા હતા.
પક્ષ પલ્ટુ રીબડીયાનો ૨૦૨૨ની સામાન્ય ચૂંટણીમાં કારમા પરાજય થયો અને તેની સામે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડેલા ભૂપત ભાયાણી ચૂંટાયા હતા. ભાયાણીએ પણ ચૂંટાયાના એકાદ વર્ષમાં જ પ્રજા મતનો દ્રોહ કરી વિધાનસભાના સભ્ય તરીકે રાજીનામું ધરી દીધું છે. હવે આવનારી પેટા ચૂંટણીમાં વિસાવદરના મતદારો કોઈ ચોક્કસ પક્ષ પ્રત્યે પ્રેમ યા નફરત દાખવે છે, કે પછી કોઈ નેતા માટે લગાવ યા તિરસ્કાર દર્શાવે છે તેના પર ગુજરાતભરની મીટ મંડાયેલી રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500