આવકવેરા વિભાગે શનિવારે એડવાઇઝરી જારી કરી હતી કે માર્ચ-2023 સુધીમાં પરમેનન્ટ એકાઉન્ટ નંબર્સ (પાન) કાર્ડ આધાર સાથે લિંક ન કરાયા તો તે નિષ્ક્રીય થઈ જશે. આ ફરજિયાત છે, તેથી વિલંબ ન કરો, તાત્કાલિક જોડો. આવકવેરા ધારા 1961 હેઠળ એક્ઝેમ્પ ટેકેટગરની અંદર ન આવતા બધા પાનકાર્ડધારકોએ 31 માર્ચ 2023 પહેલા પાન કાર્ડ લિંક કરાવવું પડશે. તેઓએ પાન કાર્ડ લિંક ન કર્યુ તો પાન કાર્ડ નિષ્ક્રીય થઈ જશે, એમ સીબીડીટીએ જણાવ્યું હતું. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે 30 માર્ચના રોજ જણાવ્યું હતું કે, એક વખત પાન કાર્ડ નિષ્ક્રીય થઈ જશે પછી વ્યક્તિ પોતે આવકવેરા ધારા હેઠળ જે જોગવાઈઓનો સામનો કરવો પડશે તેના માટે જવાબદાર હશે.
ત્યારપછી વ્યક્તિ નિષ્ક્રીય થઈ ગયેલા પાન નંબરનાં આધારે તેનું IT રિટર્ન ફાઇલ નહી કરી શકે. તેના પેન્ડિંગ રિટર્નની પ્રક્રિયા નહી થાય. નિષ્ક્રીય થયેલા પાનકાર્ડના ધારકને તેનું પડતર રિફંડ પણ નહીં અપાય, આ ઉપરાંત જો ભરેલું રિટર્ન ખામીવાળુ હશે તો નિષ્ક્રીય થયેલા પાનકાર્ડનાં કિસ્સામાં તેને સુધારી પણ શકાશે નહી. આ ઉપરાંત તેણે ઘણા ઊંચા દરે વેરો ચૂકવવો પડશે. કરદાતાએ આ ઉપરાંત વિવિધ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમા બેન્કિંગ વ્યવહારો અને અન્ય નાણાકીય પોર્ટલ પરના વ્યવહારોનો સમાવેશ થાય છે.
તેનું કારણ એ છે કે પાન ફક્ત બેન્કિંગ અને નાણાકીય વ્યવહારો માટે જ જરુરી છે તેવું નથી, તે મહત્વનો કેવાયસી દસ્તાવેજ પણ છે. સીબીડીટી આવકવેરા વિભાગ માટે નીતિ ઘડે છે. આધારને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઇડીએઆઇ) દ્વારા જારી કરવામાં આવ્યું છે તો પાનને આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યું છે. આધાર ફક્ત વ્યક્તિગને જ જારી કરી શકાય છે, જ્યારે પાન વ્યક્તિ ઉપરાંત કંપની કે ફર્મ કે એકમને જારી કરી શકાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500