તારીખ 19 મે’ના રોજ 2 હજાર રૂપિયાની નોટ સરક્યુલેશનમાંથી પરત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો તે દિવસે 2 હજાર રૂપિયાની જેટલી નોટ સર્કયુલેશનમાં હતી તેની 93 ટકા નોટો બેંકોમાં પરત આવી ગઇ છે તેમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે. RBIએ જારી કરેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, બેંકો પાસેથી મળેલા આંકડા અનુસાર તારીખ 31 ઓગસ્ટ, 2023 સુધી પરત આવેલી 2 હજાર રૂપિયાની નોટોનું કુલ મૂલ્ય 3.32 લાખ કરોડ રૂપિયા છે. RBIએ વધુમાં જણાવ્યું છે કે 31 ઓગસ્ટ, 2023ના રોજ સર્ક્યુલેશનમાં રહેલ 2 હજાર રૂપિયાની નોટોનું મૂલ્ય ફક્ત 0.24 લાખ કરોડ રૂપિયા હતું. એટલે કે 19 મે’ના રોજ 2 હજાર રૂપિયાની જેટલી નોટો સર્ક્યુલેશનમાં હતી.
તેમાંથી 93 પરત આવી ગઇ છે. બેંકો પાસેથી મળેલી માહિતી અનુસાર 2 હજાર રૂપિયાની જેટલી નોટો પરત આવી છે તે પૈકી 87 ટકા નોટો બેંક ખાતામાં જમા કરવામાં આવી છે જ્યારે 13 ટકા નોટો એક્સચેન્જ કરવામાં આવી છે. 31 માર્ચ, 2023ના રોજ સર્ક્યુલેશનમાં રહેલ 2 હજાર રૂપિયાની નોટોનું મૂલ્ય 3.62 લાખ કરોડ રૂપિયા હતું. જે ઘટીને 2 હજાર રૂપિયાની નોટ પરત લેવાની જાહેરાતના દિવસ 19 મે, 2023ના રોજ 3.56 લાખ કરોડ રૂપિયા હતું. જે વધુ ઘટીને 31 ઓગસ્ટ, 2023ના રોજ 0.24 લાખ કરોડ થઇ ગયું છે. ઉલ્લેખનીય છે કે 2 હજાર રૂપિયા નોટ બેંક ખાતામાં જમા કરાવવા કે એક્સચેન્જ કરાવવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર, 2023 ૨૦૨૩ રાખવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500