સુરત જિલ્લાનાં માંડવી તાલુકાનાં અરેઠ ગામની સીમમાં કીમ-માંડવી રોડ ઉપર જનતા ગેરેજ સામે રાતે અજાણ્યા વાહન ચાલકે રોયલ એનફિલ્ડ બુલેટ બાઈકને પાછળથી ટક્કર મારી હતી. તેથી બુલેટ ચાલક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને તેનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી વાહન ચાલક પોતાનું વાહન લઈ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ કેવડીયા ગામ નિશાળ ફળિયા અને હાલ અરેઠ ગામ વલ્લભનગર સોસાયટી ખાતે રહેતા વિનેશભાઈ ઝવેરભાઈ ચૌધરીએ માંડવી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેમનો માસીનો દીકરો હર્ષલકુમાર અમરતભાઈ ચૌધરી (હાલ રહે.કેવડીયા ગામ, મૂળ રહે. અરેઠ ગામ ડુંગરી ફળિયું) પોતાની રોયલ એનફિલ્ડ બુલેટ બુલેટ લઈને જઈ રહ્યો હતો.
તારીખ ૨૦-૪-૨૫ નારોજ રાત્રિના આશરે ૯ કલાકે તે અરેઠ ગામની સીમમાં, જનતા ગેરેજની સામે કીમ-માંડવી રોડ ઉપરથી પસાર થતો હતો ત્યારે એક અજાણ્યા વાહન ચાલકે હર્ષલકુમારની બુલેટને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતને કારણે હર્ષલકુમાર રોડ ઉપર પટકાયો હતો અને તેને માથા તથા છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓને કારણે તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સજર્યા બાદ અજાણ્યો વાહન ચાલક પોતાના વાહન સાથે સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો અને બાદમાં પોલીસના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500