બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાએ એક 8 વર્ષીય અમેરિકન મોંગોલિયન છોકરાને બૌદ્ધ ધર્મનું ત્રીજું સૌથી મહત્વપૂર્ણ સ્થાન આપ્યું છે. તારીખ 11 અને 12 માર્ચનાં રોજ ધર્મશાળામાં આ સમારોહનું આયોજન થયું હતું અને તેમાં દલાઈ લામાએ મંગોલિયાનાં સર્વોચ્ચ ધર્મગુરુ ખલખા જેટસન ધંપા રિન્પોછેના 10માં જન્મને માન્યતા આપી હતી. બૌદ્ધ ધર્મની માન્યતાઓને પાલન કરતા દલાઈ લામાએ બાળકને સિંહાસન પર બેસાડ્યો હતો. આ દરમિયાન સેંકડો મોંગોલિયનો સાથે બાળકનો પિતા પણ હાજર હતો.
જોકે સત્ય એ છે કે આ બાળકને મંગોલિયાના ધર્મગુરૂ બનાવવામાં આવ્યા છે જે દલાઈ લામા જેવા હોય છે. જોકે પદવીની વાત કરીએ તો તેનો ત્રીજો નંબર છે. તિબેટ સરકારના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સામદોંગ રિન્પોછે પણ સ્વીકાર્યું હતું કે દલાઈ લામાએ આ બાળકને મોંગોલિયાનાં સૌથી મોટા ધર્મગુરુની પદવી આપી છે. અહેવાલો મુજબ અમેરિકન મોંગોલિયન બાળક અગુઈદઈ અને અચિલ્ટાઈ અલ્ટાનાર નામના બે જોડિયા બાળકોમાંથી એક છે તેના પિતા યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. આ બાળકનો જન્મ વર્ષ 2015માં અમેરિકામાં જ થયો હતો. તેની પાસે મંગોલિયા અને યુનાઇટેડ સ્ટેટ્સની બેવડી નાગરિકતા છે.
આ કાર્યક્રમનું આયોજન હિમાચલ પ્રદેશનાં ધર્મશાળામાં કરવામાં આવ્યું હતું. 87 વર્ષીય દલાઈ લામા ધર્મશાળામાં નિર્વાસિત જીવન જીવે છે. ચીન દલાઈ લામાને પોતાનો દુશ્મન માને છે. ચીન ઈચ્છે છે કે, તે પોતાની મરજીથી દલાઈ લામાને બદલે. જોકે દલાઈ લામા કહી ચુક્યા છે કે, તેઓ હજુ તેમના ઉત્તરાધિકારીની જાહેરાત કરવાના નથી. તે કહે છે કે તેમની ઉંમર 113 વર્ષ છે. જેના કારણે લાંબા સમય સુધી ઉત્તરાધિકારીની જરૂર નથી પડવાની. જ્યારથી દલાઈ લામાએ મંગોલિયાની મુલાકાત લીધી હતી, ત્યારથી ચીન ગુસ્સામાં છે. આ સ્થિતિમાં મંગોલિયાના સૌથી મોટા ધર્મગુરુની નિયુક્તિ બાદ ચીન વધુ ગુસ્સે થઈ શકે છે.
ચીનનો દાવો છે કે, દલાઈ લામાની નિયુક્તિ કરવાનો અધિકાર માત્ર તેને જ છે. પરંતુ દલાઈ લામાએ ધર્મગુરુની જાહેરાત કરીને ચીનની બોલતી બંધ કરી દીધી છે. એવું કહેવાય છે કે, પહેલા તો બાળકનાં માતા-પિતા તેને બૌદ્ધ લામાઓને આપવા માંગતા ન હતા. પરંતુ ઘણું સમજાવવા પછી તેઓ રાજી થઈ ગયા હતા. ગયા વર્ષે પણ બાળકને દલાઈ લામા મંદિરમાં લાવવામાં આવ્યો હતો અને તેનું મુંડન કરવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500