જામનગર નજીક ઠેબા ચોકડી પાસે ઇકો કાર અને બાઈક વચ્ચેનાં ગોજારા અકસ્માતમાં કાલાવડના વતની સાળા-બનેવીનાં અંતરિયાળ મૃત્યુ નિપજ્યા હતા. નવી કારની ખરીદી અર્થે સાળો-બનેવી જામનગર આવી રહ્યા હતા, જે દરમિયાન ઠેબા ચોકડી પાસે ગોજારો અકસ્માત સર્જાતાં બંનેના કરૂણ મૃત્યુ નીપજયા હોવાથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, જામનગર જિલ્લાના કાલાવડમાં રહેતા લક્ષ્મીકાંતભાઈ ભુદરજીભાઈ સોંડાગર (ઉ.વ.41) કે જેઓને નવી કાર ખરીદ કરવી હોવાથી પોતાના મોટર સાયકલ પર બેસીને કાલાવડથી જામનગર તરફ આવી રહ્યા હતા, અને તેઓએ પોતાની સાથે બાઈકમાં પોતાના જ બનેવી રાજેશભાઈ રતિલાલભાઈ ગંગાજળિયા (ઉ.વ.45)ને પાછળ બેસાડ્યા હતા.
જેઓ બંને બપોરે 4.15 વાગ્યે કાલાવડ જામનગર રોડ પર ઠેબા ચોકડી પાસે પહોંચ્યા હતા, જે દરમિયાન જામનગર તરફથી ફુલ સ્પીડમાં આવી રહેલી જીજે/10/ડીજે/7235 નંબરની ઇકો કારના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં સાળો-બનેવી બંને ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ ગયા હતા, અને તેઓને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે તે પહેલાં જ બંનેના મૃત્યુ નીપજ્યા હોવાનું તબીબો દ્વારા જાહેર કરાયું હતું. આ અકસ્માતના બનાવ અંગે મૃતક લક્ષ્મીકાંતભાઈના કાકા દિનેશભાઈ રણછોડભાઈએ જામનગરના પંચકોસી એ. ડિવિઝન પોલીસમાં મથકમાં જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે તેમજ જામનગરની જી.જી. હોસ્પિટલે દોડી ગઇ હતી અને બંને મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટમોટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત ઇકો કારના ચાલક સામે ગુનો નોંધી તેની શોધ ખોળ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500