યુરોપ અને ઈંગ્લેન્ડ વચ્ચેનાં બ્રેક્ઝિટ વિવાદ સમયે જંગી બહુમતીથી સત્તા પર આવેલા બોરિસ જ્હોન્સને અંતે ગુરુવારે બ્રિટનનાં વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. નાણામંત્રી રિશિ સુનાક સહિત ટોચનાં ચાર મંત્રીઓનાં રાજીનમા અને પોતાના જ સાંસદો દ્વારા વિદ્રોહ છતાં બોરિસ જ્હોન્સન સત્તા છોડવા માટે તૈયાર નહોતા.
પરંતુ છેલ્લા 48 કલાકમાં એક પછી એક 50થી વધુ મંત્રીઓએ રાજીનામું આપી દેતાં અંતે બોરિસ જ્હોન્સન ગુરુવારે પદ છોડવા તૈયાર થઈ ગયા હતા. રાજીનામું આપ્યા પછી તેમણે કહ્યું કે, કન્ઝર્વેટિવ પક્ષના નવા નેતાની ચૂંટણી થાય ત્યાં સુધી તેઓ વડાપ્રધાન પદે જળવાઈ રહેશે. ક્રિસ પિંચરનાં સેક્સ સ્કેન્ડલ સહિત કેટલાક કૌભાંડોનાં પગલે ગૃહમંત્રી પ્રીતિ પટેલ સહિત મંત્રી મંડળમાં અનેક સાથીઓ દ્વારા રાજીનામાની માગણીને પગલે જ્હોન્સન ભારે દબાણ હેઠળ હતા.
બોરિસ જ્હોન્સનનાં અનેક સાથીઓનું કહેવું હતું કે, ક્રિસ પિંચરનાં સેક્સ કૌભાંડ સહિત અનેક કૌભાંડોથી ઘેરાયેલા હોવાના કારણે જ્હોન્સન હવે વડાપ્રધાનપદે જળવાઈ રહેવા માટે યોગ્ય નથી. હવે ઑક્ટોબરમાં પક્ષના નવા નેતા નિમણૂક થશે, જે નવા વડાપ્રધાન બનશે તેમ માનવામાં આવે છે. 58 વર્ષીય બોરિસ જ્હોન્સને તેમના રાજીનામા માટે 'ટોળાશાહીની વૃત્તિ'ને જવાબદાર ઠેરવી હતી.
જોકે તેમણે 10 ડાઉનિંગ સ્ટ્રીટનાં દરવાજે આપેલા ભાષણમાં કહ્યું કે, 'વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ નોકરીમાંથી રાજીનામું આપતા હું ખૂબ જ દુ:ખી છું. હવે સ્પષ્ટ છે કે, સંસદીય કન્ઝર્વેટીવ પાર્ટીનાં નવા નેતાની ચૂંટણી થશે. આગામી સપ્તાહે તેના કાર્યક્રમની જાહેરાત કરાશે' પીએમપદેથી વિદાય લઈ રહેલા જ્હોન્સને ભારપૂર્વક કહ્યું હતું કે, 2019ની સામાન્ય ચૂંટણીમાં બ્રેક્ઝિટ મુદ્દે તેમણે અસાધારણ બહુમત મેળવ્યો હતો. આ જ કારણથી છેલ્લા કેટલાક દિવસથી હું વડાપ્રધાન પદે જળવાઈ રહેવા માટે લડતો હતો.
જ્હોન્સનનાં રાજીનામાનો વિવાદ ક્રિસ પિંચરની નિમણૂક સાથે જોડાયેલો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં જ્હોન્સને ક્રિસ પિંચરની કન્ઝર્વેટિવ પક્ષના ડેપ્યુટી ચીફ વ્હિપ તરીકે નિમણૂક કરી હતી. જોકે, 30 જૂને બ્રિટિશ અખબાર 'ધ સને' દાવો કર્યો હતો કે, ક્રિસ પિંચરે લંડનની એક ક્લબમાં બે યુવકોને આપત્તિજનક રીતે સ્પર્શ કર્યો હતો. પિંચર પર પહેલા પણ જાતીય દુરાચારના આરોપ મૂકાયા હતા. 'ધ સન'ના રિપોર્ટ પછી ક્રિસ પિંચરે ડેપ્યુટી ચીફ વ્હિપના પદેથી રાજીનામું આપી દીધું હતું.
જોકે, તેમના જ પક્ષના સાંસદોનું કહેવું હતું કે, જ્હોન્સનને તેમના પરના આરોપોની માહિતી હોવા છતાં તેમની નિમણૂક કરાઈ હતી. 1લી જુલાઈએ સરકારના પ્રવક્તાએ કહ્યું હતું કે, વડાપ્રધાનને આ આરોપોની માહિતી નહોતી. જોકે, 4થી જુલાઈએ ફરી સરકારી પ્રવક્તાએ કહ્યું કે, જ્હોન્સનને પિંચર પરના આરોપોની માહિતી હતી, પરંતુ પિંચર પર આરોપો સાબિત થયા ન હોવાથી તેમની નિમણૂકને જ્હોન્સને અયોગ્ય માની નહોતી. જોકે, અંતે મંગળવારે બોરિસ જ્હોન્સને ક્રિસ પિંચરની નિમણૂક માટે માફી માગી લીધી હતી.
આ ઘટનાક્રમ પછી તા.5મી જુલાઈએ નાણામંત્રી રિશિ સુનાક અને સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવેદે રાજનામા આપી દીધા હતા. સુનાકે લખ્યું કે, લોકોને આશા હતી કે સરકાર યોગ્ય રીતે કામ કરશે જ્યારે સાજિદ જાવેદે લખ્યું કે, સરકાર રાષ્ટ્ર હિતમાં કામ નથી કરી રહી. આ સિવાય અન્ય બે કેબિનેટ મંત્રીઓએ પણ રાજીનામું આપી દીધું હતું.
આમ છતાં જ્હોન્સન સત્તા છોડવા તૈયાર થયા નહોતા. જોકે, ત્યાર પછી એક પછી એક 50થી વધુ મંત્રીઓએ જ્હોન્સનના વિરોધમાં રાજીનામું આપી દીધું હતું. અગાઉ પણ પાર્ટીગેટ કૌભાંડના પગલે બોરિસ જ્હોન્સનનું વડાપ્રધાનપદ જોખમમાં મુકાયું હતું, પરંતુ ત્યારે તે ખુરશી બચાવવામાં સફળ થઈ ગયા હતા. તે સમયે પણ કન્ઝર્વેટિવ પક્ષના 50થી વધુ સાંસદોએ જ્હોન્સનનાં રાજીનામાની માંગણી કરી હતી, પરંતુ તે સમયે વડાપ્રધાન જ્હોન્સન તે સમયે વિશ્વાસ મત જીતવામાં સફળ થયા હતા. જોકે, આ વખતે તેમના માટે વિશ્વાસ મત જીતવો મુશ્કેલ બન્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500