બ્રિટનની 'ટોરી' (કોન્ઝર્વેટિવ) પાર્ટીનાં નેતા ઋષિ સુનક મંગળવારે બપોરે રાજા ચાર્લ્સને મળ્યા હતા. તેઓની સાથે મંત્રણા કરી હતી અને રાજા ચાર્લ્સે તેઓને વિધિવત બ્રિટનનાં નવા વડાપ્રધાન પદે નિયુક્ત કર્યા હતા. તે સમયે તેઓનાં પત્ની અક્ષતા મૂર્તિ તથા બંને પુત્રીઓ અનુષ્કા અને કૃષ્ણા પણ બકીંગધામ પેલેસમાં ઉપસ્થિત હતા. સુનક તા.28મીએ બ્રિટનનાં વડાપ્રધાન પદે શપથ લેશે. વર્ષ-2015માં યોર્કશાયરનાં રીચમંડમાંથી સાંસદ તરીકે ચૂંટાયેલા 42 વર્ષનાં સુનક એક ટોચનાં અર્થશાસ્ત્રી પણ છે. તેઓએ બ્રિટનને આર્થિક મુશ્કેલીઓમાંથી બહાર કાઢવાનું વચન આપ્યું છે. બ્રિટનની 'ટોરી' પાર્ટીના નેતા પદની રેસમાં પહેલા પૂર્વ વડાપ્રધાન બોરિસ જ્હોન્સન પણ હતા.
પરંતુ તેઓ પછી સ્પર્ધામાંથી ખસી ગયા હતા તે પછી લીઝ ટ્રસને પાર્ટીએ નેતા તરીકે ચૂંટતાં તેઓ વડાપ્રધાન બન્યા હતાં. પરંતુ દેશ સામેના પડકારો જોઇ માત્ર બેતાલીશ દિવસમાં જ તેઓએ પાર્ટીનો ટ્રસ્ટ ગુમાવ્યો. તેઓએ કિંગ ચાર્લ્સને પોતાનું ત્યાગપત્ર રજુ કરી દીધું હતું. તે પછી પાર્ટીની આંતરિક ચૂંટણીમાં 180 મત મેળવી ઋષિ સુનક 'ટોરી' પાર્ટીનાં નેતા ચૂંટાઈ આવતા, 10, ડાઉનિંગ સ્ટ્રીટ સ્થિત વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને રહેનારા સુનક બ્રિટનના સૌથી પહેલા અશ્વેત અને ભારતીય વંશના બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર બની રહેશે.
જયારે ઋષિ સુનકનો જન્મ બ્રિટનનાં સાઉધમ્પ્ટનમાં થયો હતો. તેઓના માતા એક ફાર્મસિસ્ટ છે, પિતા નેશનલ હેલ્થ સર્વિસ (NHS)માં તબીબ તરીકે છે. સુનકનાં દાદા-દાદી પંજાબના છે. સુનક ઓક્સફર્ડ યુનિવર્સિટી તથા સ્ટેનફોર્ડથી સ્નાતક છે. તેઓના લગ્ન ઇન્ફોસિસના સહસ્થાપક નારાયણમૂર્તિનાં પુત્રી અક્ષતા મૂર્તિ સાથે થયાં છે. વર્ષ-2009માં તેઓના લગ્ન થયા, તેઓને બે પુત્રીઓ, અનુષ્કા અને કૃષ્ણા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500