આંકલાવ તાલુકાની મામલતદાર કચેરીનો નાયબ મામલતદાર રૂપિયા ૧૫૦૦/-ની લાંચ લેતા એસીબીના હાથે પકડાયો છે. એસીબીએ આ લાંચિયા નાયબ મામલતદારને ઓફિસના ટોયલેટ/બાથરૂમમાં લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપી પાડ્યો છે.
રાજ્ય સરકાર રાજ્ય સેવકોને ખોબલા ભરીભરીને પગાર આપી રહી છે, અને એની સાથે અનેક સુવિધાઓ પણ ફાળવી રહી છે તેમછતાં લાખો રૂપિયાનો પગાર મેળવનાર આવા લાંચીયા અધિકારીઓ સુધરવાનું નામ સુધ્ધા નથી લેતા તે એક ચર્ચા વિષય બન્યો છે.
મળતી માહિતી મુજબ વડોદરા એસીબીને ફરિયાદ કરનાર જાગ્રતની વડીલોપાર્જિત જમીનમાં નામો કમી કરવા માટે આણંદ જિલ્લાની આંકલાવની મામલતદાર કચેરીમાં ફરજ બજાવતો નાયબ મામલતદાર દિગ્વિજયસિંહ બચુભા જાડેજાએ ફરીયાદી પાસે પાસે રૂ.૧૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલી, જે બાદ રકઝકના અંતે તેઓએ રૂ.૪,૦૦૦/- વ્યવહાર પેટેના નક્કી કરેલા અને હાલ જેટલા હોય તેટલા આપી દેવા જણાવતા ફરિયાદી એ નાછૂટકે રૂ.૨,૦૦૦/- આરોપીને જે તે સમયે આપેલા અને બાકીના રૂ.૨,૦૦૦/- પછી આપી જવા કહેલું. જે લાંચની રકમ રૂ.૨,૦૦૦/- ફરિયાદી આ નાયબ મામલતદારને આપવા માંગતા ન હોય, એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા.
એસીબીએ આજરોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું.જેમાં આંકલાવની મામલતદાર ઓફિસના સ્ટોરરૂમમાં આવેલ ટોયલેટ/બાથરૂમમાં ફરીયાદી પાસે રૂ.૨,૦૦૦/- ની લાંચ માંગી તે પૈકી રૂ.૫૦૦/- ફરિયાદીને પરત આપી દઇ રૂ.૧૫૦૦/- ની લાંચ સ્વીકારતા એસીબીના હાથે નાયબ મામલતદાર આબાદ પકડાઈ ગયો હતો. આ સફળ કામગીરી એસીબી વિભાગ વડોદરા એકમના મદદનીશ નિયામક એસ.એસ.ગઢવીના સુપરવિઝનમાં કરવામાં આવી હતી જયારે ટ્રેપિંગ અધિકારી તરીકે કે.વી.લાકોડ, પી.આઇ. વડોદરા ગ્રામ્ય એસીબી પો.સ્ટે. તથા ટીમએ પ્રશંશનીય કામગીરી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500