વલસાડની જિલ્લા સેવા સદન કચેરીમાં આસીસ્ટન્ટ ઇલેકટ્રીકલ ઇન્સ્પેકટર રૂપિયા ૨૦ હજારની લાંચ લેતા સુરત ગ્રામ્ય એસીબીના હાથે ઝડપાયો છે. ઇન્સ્પેકશન પ્રમાણપત્ર અને વાર્ષિક ઇલેકટ્રીક ઇન્સ્ટોલેશન ઇન્સ્પેકશન રીપોર્ટ ઉપર સહી સિક્કા કરી આપવા માટે માંગી હતી લાંચ.
મળતી માહિતી અનુસાર એસીબીને ફરિયાદ કરનાર ફરીયાદી ઇલેકટ્રીક કોન્ટ્રાકટનું લાયસન્સ ધરાવે છે અને ખાનગી કંપનીઓ પાસેથી ઇલેકટ્રીકને લગતા કામો રાખે છે. આ કામના ફરીયાદીએ એક ખાનગી કંપનીએ કરેલ બાંધકામમાં ઇલેકટ્રીક ઇન્સ્ટોલેશન કરવા માટેનું કામ રાખેલું જે કામ બાબતે જરૂરી કાર્યવાહી કરી જરૂરી દસ્તાવેજો સાથે આસીસ્ટન્ટ ઇલેકટ્રીકલ ઇન્સ્પેકટરની કચેરી વલસાડ ખાતે રીપોર્ટ આપેલ. જે અનુસંધાને અમિતકુમાર કાંતિલાલ પટેલ (આસીસ્ટન્ટ ઇલેકટ્રીકલ ઇન્સ્પેકટર)એ સ્થળ વિઝીટ કરી ઇન્સ્પેકશન કરેલ હતું.
ફરીયાદીએ ઇન્સ્પેકશનનું પ્રમાણપત્ર મેળવવા તેમજ આ ઉપરાંત અન્ય એક ખાનગી કંપનીમાં વાર્ષિક ઇલેકટ્રીક ઇન્સ્ટોલેશન ઇન્સ્પેકશન રીપોર્ટ ઉપર સહી સિક્કા કરાવવાની કાર્યવાહી કરેલી. ગઇ તા.૧૮.૦૭.૨૦૨૨ ના રોજ કામો બાબતે ઇન્સ્પેકશન પ્રમાણપત્ર અને વાર્ષિક ઇલેકટ્રીક ઇન્સ્ટોલેશન ઇન્સ્પેકશન રીપોર્ટ ઉપર સહી સિક્કા કરાવવાના અવેજ પેટે આ આરોપી અમિતકુમાર કાંતિલાલ પટેલ એ કુલ રૂપિયા-૨૦૦૦૦/- ની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય એસીબી નો સંપર્ક કરી ફરીયાદ આપેલ જે ફરીયાદ આધારે આજરોજ વલસાડના તીથલ રોડ પર આવેલ જિલ્લા સેવા સદન-૨, પાંચમો માળ પર આસીસ્ટન્ટ ઇલેકટ્રીકલ ઇન્સ્પેકટરની ઓફીસમાં લાંચના છટકાનું આયોજન કરતા આરોપી અમિત પટેલએ પોતાની ઓફીસમાં ફરીયાદી પાસેથી લાંચની માંગણી કરી લાંચની રકમ સ્વીકારતા એસીબીના હાથે ઝડપાઈ ગયો છે. હાલ એસીબીએ આરોપીને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500