જન્માષ્ટમીના પાવન પર્વે સુરતની નવી સિવિલ હોસ્પિટલથી વધુ એક સફળ અંગદાન થયું છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના બોરદા ગામના ૫૯ વર્ષીય રેવાભાઈ સેગાજીભાઈ વસાવા બ્રેઈનડેડ થતા તેમની બે કિડની, લિવર અને આંતરડાના દાનથી ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે. નવી સિવિલ આરોગ્યતંત્રના પ્રયાસોથી કૃષ્ણ જન્મોત્સવના ભક્તિસભર પર્વે ૪૨મુ અંગદાન થતા જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં નવો ઉજાસ ફેલાયો છે. કૃષ્ણ જન્મોત્સવ પર્વ અંગોની જરૂરિયાત ધરાવતા ચાર દર્દીઓના પરિવારની ખુશીઓ જન્માવવામાં નિમિત્ત બન્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર સોનગઢના બોરદા ગામના ગુંદી ફળીયા નિવાસી રેવાભાઈ વસાવા તેમની પત્ની સાથે સુરતના સચિન પાસેના પલી ગામમાં ખેતીકામ કરતા હતા.
તા.૨જી સપ્ટે.ના રોજ રાત્રે ૧૧:૩૦ વાગ્યે ટેમ્પામાં બેસીને સુરતના ઉધના સ્ટેશન જતા હતા, ત્યારે હિરનગર પાસે અચાનક ટેમ્પો પલટી જતા રેવાભાઈને માથા અને કપાળના ભાગમાં તેમજ કમરમાં ઈજા થઈ હતી. એક કલાક બાદ એટલે કે તા.૩જીના રોજ ૧૨:૩૬ વાગ્યે તેમના મિત્ર અને પરિજનોએ નવી સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી સારવાર માટે દાખલ કર્યા હતા, જ્યાં ICUમાં એડમિટ કરી સારવાર શરૂ કરાઈ હતી. સ્વાસ્થ્ય વધુ ખરાબ થતા તા.૭મીએ વહેલી સવારે ૦૩:૨૯ વાગ્યે ન્યુરો ફિઝિશિયન, ન્યુરો સર્જનએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. વસાવા પરિવારના સભ્યોને ટીમના આર.એમ.ઓ., નર્સિંગ કાઉન્સિલ અને કાઉન્સેલર અંગદાનનું મહત્વ સમજાવ્યું.
જેથી અન્યને નવું જીવન મળતું હોય તો રેવાભાઈના પત્ની મીનાબેન, પુત્ર ઈનેશભાઈ, પુત્રી સુનિતાબેને દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી અને 'સ્વજનના અંગોનું દાન જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે’ એમ જણાવીને આગળ વધવા સમંતિ આપી હતી. પવિત્ર જન્માષ્ટમીના અવસરે જ અંગદાન થતાં અંગદાન બાદ ઉપસ્થિત સૌએ ભગવાન શ્રીકૃષ્ણની છબિ સમક્ષ હાથ જોડીને દિવંગતના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી. તારીખ ૭મીએ બ્રેઈનડેડ રેવાભાઈના અંગોનું દાન સ્વીકારી કિડનીઓ અને લિવરને I.K.D. હોસ્પિટલ-અમદાવાદ જ્યારે આંતરડું ગ્લોબલ હોસ્પિટલ-મુંબઈ ખાતે લઈ જવામાં આવ્યા હતા. સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફે તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી.
આંતરડાના અંગદાન ખૂબ ઓછા થતાં હોય છે, ત્યારે સમગ્ર દેશમાં આંતરડાનું ૧૭મુ દાન સુરત સિવિલ હોસ્પિટલથી થયું છે એમ ડો.નિલેશ કાછડીયાએ જણાવ્યું હતું. ડોકટરે જણાવ્યું હતું કે, નવી સિવિલ હોસ્પિટલના સફળ પ્રયાસોના પરિણામે વધુ એક અંગદાન સાથે ૪૨મુ અંગદાન થયું છે. હાથેથી કરેલું દાન અને મુખેથી લીધેલું શ્રી કૃષ્ણજીનું નામ ક્યારેય વ્યર્થ જતું નથી એમ જણાવતા તેમણે ઉમેર્યું કે, પવિત્ર કૃષ્ણ જન્માષ્ટમીએ કૃષ્ણભક્તો બાળકૃષ્ણના અવતરણને વધાવવા ભક્તિમય બન્યા હતા, ત્યારે દુઃખદ ઘડીમાં આદિવાસી પરિવારે આ પાવન પર્વે અંગદાનનો નિર્ણય લઈ પ્રેરણાદાયી પગલું ભર્યું છે અને આ પર્વને વધુ યાદગાર બનાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500